તમારા કુરિયરમાં ડ્રગ્સ છે...! ડિજિટલ એરેસ્ટના નામે વડોદરાના આધેડ પાસેથી 32 લાખ પડાવનાર ગેંગના બે સાગરિત પકડાયા
Vadodara Crime : વડોદરાના આધેડ વયના એક પુરુષને કુરિયરમાં ડ્રગ્સ છે તેમ કહી ડિજિટલ એરેસ્ટના નામે 32 લાખ પડાવી લેનાર ટોળકીના બે સાગરીતોને સાયબર સેલે ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે.
વડોદરાના પૂરુષ ઉપર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સીબીઆઇના નામે હોંગકોંગ મોકલેલા કુરિયરમાં ડ્રગ હોવાનું કહી દમદાટી આપવામાં આવી હતી અને સ્કાય પી ઉપર તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું.
ઠગ ટોળકીએ સીબીઆઇના નામનો એક લેટર પણ મોકલ્યો હતો અને બેંક એકાઉન્ટમાં જેટલી પણ રકમ છે તે સિઝ કરવામાં આવી છે અને તપાસ પૂરી થશે એટલે આ રકમ પરત કરવામાં આવશે તેમ કહી 32 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આ રકમ પરત કરી ન હતી. જેથી સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સાયબર સેલની ટીમે બેંક એકાઉન્ટની ડીટેલ મેળવી તપાસ કરતા મુંબઈના બે બોગસ ડિરેક્ટરના નામ મળ્યા હતા. જેથી મુંબઈ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સાયબર સેલે આ બનાવ અંગે નવી મુંબઈમાં રહેતા અને રીયલ એસ્ટેટનું કામ કરતા ઈબનુસિયાદ પી અબ્દુલ સલીમ અને અશરફ અલ્વીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે. બોગસ કંપનીના ડિરેક્ટર બનેલા બંને આરોપીઓના એકાઉન્ટમાં વડોદરાના ફરિયાદીની 7.50 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઇ હતી.