'સંબંધ તોડી નાખ...', લિવ-ઈનમાં રહેતી બે યુવતીઓએ નોંધાવી ફરિયાદ, રાજકોટનો ચોંકાવનારો કિસ્સો
રાજકોટમાં બહાર આવેલો ચોંકાવનારો કિસ્સો એક સખીના ભાઈએ બંનેને મારકૂટ કરી પાઇપના ઘા ઝીંક્યા, બંને સખી અગાઉ પણ ઘરેથી ભાગી ગઇ હતી
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો પોલીસ પાસે પહોંચ્યો છે. લીવ-ઇન-રિલેશનશિપમાં રહેતી બે યુવતીઓમાંથી એકના ભાઈને આ સંબંધ મંજૂર ન હોવાથી તેણે બંને બહેનપણીઓને મારકૂટ કર્યાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ નજીકના વિસ્તારમાં રહેતી 24 વર્ષની મનીષા (નામ બદલ્યું છે)એ બીએ સુધી અભ્યાસ કર્યો છે. હાલ તે એક ફ્રેન્ચાઇઝીમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે તે મીતા (નામ બદલ્યુ છે)ને છેલ્લા બે વર્ષથી ઓળખે છે. બંને મિત્ર છે. બંને સાથે રહેવા માગે છે, પરંતુ મીતાના પરિવારજનો તેમ કરવા દેતા નથી. ચારેક મહિના પહેલા તે અને મીતા ઘરેથી ભાગી ગયા હતાં.
જો કે બાદમાં મીતાના પરિવારજનોએ બંનેને શોધી લીધા હતાં. તે વખતે મીતાના ભાઇ વિશાલે તેને એવી ધમકી આપી હતી કે હવે પછી ક્યારેય મારી બહેનને મળતી નહીં, નહીંતર તને જાથી મારી નાખીશ. બાદમાં મીતા અને તે પોતપોતાના ઘરે જતા રહ્યા હતાં.
પરંતુ બંને સાથે રહેવા માગે છે. પરંતુ મીતાના પરિવારજનો તેમ કરવા દેતા ન હતા. બંનેએ સાથે રહેવા માટે આખરે ગઇ તા. 17-7-2023 ના રોજ મૈત્રી કરાર કરી લીધા હતાં. જો કે આ પછી પણ બંને સાથે રહેતી ન હતી. પરંતુ બહાર ક્યારેક-ક્યારેક મળી લેતી હતી.
ગઇ તા. 8ના રોજ તે ઘરેથી નોકરી પર ગઇ હતી. સાંજે નોકરી પરથી છૂટી ઘરે જતી હતી ત્યારે મીતાએ મેસેજ કરી બેડી ચોકડીએ મળવા બોલાવી હતી. આ વખતે તે તેના પિતાના મિત્ર ત્યાંથી નીકળતા તેના બાઇક પાછળ બેસી બેડી ચોકડીએ પહોંચી હતી. જ્યાં અગાઉથી મીતા ઉભી હતી ત્યારબાદ તે અને મીતા પિતાના મિત્રના બાઇકમાં ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યા હતાં.
બરાબર તે વખતે મીતાનો ભાઈ ટ્રક લઇને નીકળો હતો જે બંનેને જોઇ જતાં ટ્રક ઉભો રાખી કહ્યું કે તમે બંને ક્યા રખડો છો, તમને ભેગા થવાની ના પાડી છતાં હજુ કેમ રખડો છો, આપણે હવે ઘરે જવાનું છે તેમ કહી બંનેને પોતાના ટ્રકમાં બેસાડી દીધા હતા.
ત્યારબાદ વિશાલે ટ્રક મીતાના ઘર પાસે લીધો હતો. જ્યાં બંનેને ઉતારી કહ્યું કે તમને બંનેને ભેગા થવાની ના પાડી હતી છતાં બંને ભેગી ફરો છો. બાદમાં બંનેને ફડાકા મારી ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આટલેથી નહીં અટકતા બાજુમાં પડેલો લોખંડનો પાઇપ લઇ મીતા પર હુમલો કર્યો હતો. તેને પણ પાઇપના ઘા ઝીંક્યા હતાં.
ત્યારબાદ વિશાલે તેની માતાને ફોન કરી બંનેને લઇ જવાનું કહેતા મીતાની માતા ત્યાં આવી હતી અને બંનેને ઘરે લઇ ગઇ હતી. આ પછી મીતાને તેની માતા સારવાર માટે દવાખાને લઇ ગઇ હતી. તેણે તેની માતાને ફોન કરતાં તે પણ ત્યાં આવી પહોંચી હતી. તેને પણ 108માં લઇ જઇ સિવિલમાં સારવાર અપાવી હતી. આખરે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરી આજે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વધુમાં જણાવ્યું હતું કે મીતાને પાઇપના ઘા ઝીંકાતા તેના ડાબા હાથે ફ્રેક્ચર થઇ ગયું છે. બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી વિશાલની ધરપકડ કરી હતી.