પુનમ ભરવા જતાં ગોંડલના 2 મિત્રોના અકસ્માતમાં કરૂણ મોત
કોટડાસાંગાણી પાસે બાઈકને કારે હડફેટે લેતાં : રાજકોટની સિવીલ હોસ્પિટલમાં બને મિત્રોએ વારાફરતી દમ તોડી દીધો : પરિવારમાં કલ્પાંત
રાજકોટ, : કોટડાસાંગાણી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતાં પુનમ ભરવા જતાં ગોંડલના બે મિત્રોના મોત નિપજતા તેમના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. કોટડાસાંગાણી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલમાં મોવિયા રોડ પર રહેતાં ભુપતભાઈ પ્રાગજીભાઈ કુમરખાણીયા (ઉ.વ. 52) અને પાડોશમાં જ રહેતા મિત્ર બાલાભાઈ બીજલભાઈ સાકરીયા (ઉ.વ. 45) ભાડલા ગામે આવેલા શ્રી ગેલ માતાજીના મંદિરે પુનમ ભરવા જતા હતા.
બને બપોરે કોટડાસાંગાણી અને ભાડવા ગામ વચ્ચે પહોંચતા ત્યાંથી પસાર થયેલી કારે તેમના મોટર સાયકલને હડફેટે લેતાં ગંભીર ઈજા થતાં પ્રથમ ગોંડલ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવીલમાં ખસેડાયા હતા. જયાં વારાફરતી બનેએ દમ તોડી દીધો હતો. મૃતક પ્રાગજીભાઈ મજુરી કામ કરતા હતા. તેને સંતાનમાં બે પુત્ર છે. જયારે બાલાભાઈ પણ મજુરી કામ કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
મળતી માહિતી મુજબ બાલાભાઈ ભાડલા ગામે શ્રી ગેલ માતાજીના મંદિરે દર મહિને પુનમ ભરવા જતા હતા. આ વખતે મિત્ર ભુપતભાઈને પણ સાથે લીધા હતા. કોટડાસાંગાણી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે. કાર ચાલક તેના પરિવાર સાથે હતા. જોકે કારમાં સવાર કોઈને ઈજા નહીં થયાની માહિતી મળી છે. કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.