ક્રેટા ડિવાઈડર ટપી ફોરચ્યુનર પર ખાબકતા શાપરના 2 જણાના મોત
ગોંડલ હાઈ-વે પર ભુણાવાના પાટિયા પાસે ભયંકર અકસ્માત બંને મૃતક જમીન-મકાનના ધંધાર્થી, : 7/12નો દાખલો કઢાવવા ગોંડલ જતી વખતે સંભવતઃ ટાયર ફાટતાં અકસ્માત નડયો
રાજકોટ, : રાજકોટ-ગોંડલ હાઈ-વે પર ભુણાવાના પાટિયા પાસે આજે સાંજે ક્રેટા કાર ડિવાઈડર કૂદી સામેથી આવતી ફોરચ્યુનર કાર પર ખાબકતાં ક્રેટા કારમાં સવાર શાપરના જમીન-મકાનના બે ધંધાર્થીનાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે ફોરચ્યુનર કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો. આ ભયંકર અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શાપરમાં પટેલ સમાજની વાડી પાછળ રહેતાં હસમુખભાઈ જગદિશભાઈ કિયાડા (ઉ.વ. 28)ને શાપરમાં ખોડિયાર કાસ્ટીંગ નામનું કારખાનું છે. સાથે જમીન-મકાનનું કામ કરતા હતા. શાપરમાં જ સરકારી શાળા પાસે રહેતાં કિરણભાઈ ખોડાભાઈ સીદપરા (ઉ.વ. 48) ખેતી ઉપરાંત જમીન-મકાનનું કામ કરતા હતા.
બંનેને જમીનના એક પ્રકરણમાં 7/12 નો દાખલો કઢાવવાનો હતો. જેથી આજે સાંજે ક્રેટા કાર લઈ ગોંડલ જઈ રહ્યા હતા. ત્યારે ભુણાવાના પાટિયા પાસે પોલીસના અંદાજ મુજબ ટાયર ફાટતાં સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર ટપી ગોંડલથી રાજકોટ તરફ આવતી ફોરચ્યુનર કાર પર ખાબકતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ગંભીર ઈજા પામેલા હસમુખભાઈ અને કિરણભાઈને રાજકોટની સિવિલમાં ખસેડાયા હતા. જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં ગોંડલ તાલુકાના પીએસઆઈ રાજેશભાઈ સોલંકી સ્ટાફના માણસો સાથે સ્થળ પર અને સિવીલ દોડી આવ્યા હતા. બંને કાર વચ્ચે થયેલી ભીષણ ટકકરથી ક્રેટા કારનો રીતસર બુકડો બોલી ગયો હતો. જયારે ફોરચ્યુનર કારના બોનેટના ભાગનું પડીકું વળી ગયું હતું. ફોરચ્યુનર કારની એરબેગ ખુલી જતાં અંદર બેઠેલા તમામનો બચાવ થયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.