ભારત-સ્પેનના પ્રધાનમંત્રી આગમનની વડોદરામાં ઇફેક્ટ : 3 દિવસ ટ્રાફિક સમસ્યા સર્જાશે , આજથી બે દિવસ ટ્રાફિક રિહર્સલ
PM Modi Visit Vadodara : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન સાંચેઝ વડોદરાના મહેમાન બની રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સહિત મહેમાનો સાથે એસપીજી કમાન્ડો તૈનાત રહેશે. ઉપરાંત સમગ્ર શહેરમાં ઠેર-ઠેર ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.
આ અંગે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનું આજે અને આવતીકાલે રિહર્સલ કરાશે. જ્યારે કાલે સ્પેનના વડાપ્રધાનના આગમન અંગે કેટલાક રોડ રસ્તા બંધ કરાશે. ઉપરાંત પીએમના આગમન અગાઉ આવતીકાલે પણ રિહર્સલ કરાશે અને કેટલાક રોડ રસ્તા બંધ કરાશે. જેમાં એરપોર્ટ સર્કલથી ન્યુ વીઆઇપી રોડ, ખોડીયાર નગર પાસે મુખ્ય કાર્યક્રમ બાદ અલકાપુરી-સર્કિટ હાઉસથી લક્ષ્મીવિલાસ પેલેસ સુધીના મુખ્ય માર્ગો પર મહેમાનોના પસાર થવાના સમય અગાઉ ટ્રાફિક માટે થઈને આગામી ત્રણ દિવસ રિહર્સલ અને મહેમાનોના પસાર થવાના સમય અગાઉ વાહન વ્યવહાર માટે પ્રવેશ બંધી ફરમાવાશે. જેથી આ ત્રણ દિવસ સુધી શહેરના આ તમામ જાહેર રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ચક્કાજામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે. જોકે હાલ દિવાળી નવા વર્ષના તહેવારો હોવાથી શહેરીજનોને પણ કામકાજ અને ખરીદી માટે આ રસ્તેથી પસાર થવામાં અને ડાયવર્ઝનના રસ્તે જવામાં ભારે સમસ્યા સર્જાશે.