કુતિયાણા નજીક કાર પુલની રેલિંગ સાથે અથડાતાં 2 બાળકોનાં મોત, 5 ઘાયલ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
કુતિયાણા નજીક કાર પુલની રેલિંગ સાથે અથડાતાં 2 બાળકોનાં મોત, 5 ઘાયલ 1 - image


કાર આડે પશુ ઉતરતાં ચાલકે સ્ટીઅરિંગ પરનો કાબૂ ગુમાવ્યો : જૂનાગઢ રહેતો પરિવાર પોરબંદર ખાતે જન્માષ્ટમીનો લોકમેળો માણવા આવતો હતો ત્યારે બનાવ બન્યો 

પોરબંદર, : પોરબંદરના કુતિયાણા નજીક નેશનલ હાઇવે પર કાર પુલની રેલીંગ સાથે અથડાતા જૂનાગઢના બે બાળકોના મોત નિપજ્યા હતા. તથા પાંચ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.આઇ.ટી.આઇ.થી થોડે દૂર કાર આડે પશુ ઉતરતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પુલની રેલીંગ સાથે ધડાકાભેર અથડાઇ હતી.જૂનાગઢનો પરિવાર પોરબંદર ખાતે જન્માષ્ટમીનો મેળો કરવા આવતો હતો ત્યારે કરૂણાંતિકા સર્જાઇ હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ભાયાભાઈ બાપોદરા (ઉ.વ. 35) અને તેમના પરિવારના સભ્યો પોરબંદર ખાતે જન્માષ્ટમીનો મેળો કરવા કાર લઇને જૂનાગઢથી રવાના થયા હતા. અને કુતિયાણાથી પોરબંદર નેશનલ હાઇવે તરફ આગળ વધતા હતા ત્યારે આઇ.ટી.આઇ.થી થોડે દૂર કાર આડે પશુ ઉતરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પુલની રેલીંગ સાથે ધડાકાભેર અથડાઇ હતી. અને અકસ્માતના આ બનાવમાં સાત વર્ષના જય ભરતભાઇ ભુતિયા અને દસ વર્ષના શિવમ સુનિલભાઈ બાપોદરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.જ્યારે ઇજાગ્રસ્તો સુનિલભાઈ ભાયાભાઈ બાપોદરા (ઉ.વ. 35), ભાવનાબેન ભરતભાઈ ભુતિયા (ઉ.વ. 35), શાંતિબેન સુનિલભાઇ બાપોદરા (ઉ.વ. 29), વૈશાલીબેન ભુતીયા (ઉ.વ. 17) અને રીના ભરતભાઈ ભુતીયા (ઉ.વ. 12)ને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા પોરબંદરના ધારાસભ્ય  સહિત અગ્રણીઓ તાત્કાલિક ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપવાની સાથોસાથ ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે કાર્યવાહી થઇ હતી. અકસ્માતના આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા વૈશાલીબેન ભરતભાઈ ભુતીયા (ઉ.વ. 17)ને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા છે.તો શાંતિબેનને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યંુ છે. ઉલ્લેખનીય છે કે કુતિયાણા નજીકના હાઇવે પર આ સ્થળે રસ્તો પહોળો છે.અને અચાનક જ પુલ આવે છે.તેની રેલીંગ સાથે ભૂતકાળમાં પણ અનેક વાહન અકસ્માત થયા છે.અને લોકોના મોત નિપજ્યા છે. ત્યારે પોરબંદર મેળો કરવા આવતા મહેર સમાજના પરિવાર ઉપર સપરમા તહેવારો ટાણે જ બબ્બે બાળકોના મોતથી ભારે વજ્રઘાત સાથે શોકનું મોજુ ફરી વળ્યુ છે.


Google NewsGoogle News