નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો : જામનગરના મેઘપરમાંથી ગરીબ દર્દીઓના સ્વાસ્થ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબોને પકડાયા
image : Social media
Bogas Doctor Caught in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા છે, અને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ સૌપ્રથમ બનાવટી તબીબોના સંદર્ભમાં ચેકિંગ હાથ ધર્યું હતું, અને રામદૂત નગર વિસ્તારમાંથી પ્રોવાસ નિત્યાનંદ બીશ્વાસ નામના એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો. જેના દવાખાનામાં મેડિકલની ડીગ્રી અંગે તપાસ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓને તપાસી તેઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. આથી તેની અટકાયત કરી લઈ, તેના દવાખાનામાંથી જુદી-જુદી દવાઓ અને તેને લગતા સાધનો કબજે કરી લીધા છે, અને તેની સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 ની કલમ 30 તથા બી.એન.એસ. કલમ 125 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત મેઘપર ગામમાં રામદૂત નગર વિસ્તારમાંથી જ ગેરકાયદે દવાખાનું ચલાવી રહેલા મિલ્ટન રતનભાઇ બીશ્વાસ નામના 24 વર્ષના પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો હતો. જે પોતાના દવાખાનામાં ગરીબ દર્દીઓને તપાસી તેના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો રંગે હાથ ઝડપાયો હતો. તેની પાસે પણ મેડિકલ ડીગ્રી અંગેની પૂછપરછ કરતાં પોતાની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી તેની પણ અટકાયત કરી લઈ તેના દવાખાનામાંથી જરૂરી દવા તથા સાધનો સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને મેઘપર પોલીસ મથકમાં તેમની સામે ગુનો દાખલ કરાયો છે.