ખંભાતમાં 1.05 લાખના દેશી દારૂ, વોશ સાથે 2 ઝડપાયા
- વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ જાગી
- નડિયાદમાં લઠ્ઠાકાંડને સોડાકાંડમાં ખપાવવાના પ્રયાસો વચ્ચે ખંભાતમાં ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ
ખંભાતના નારેશ્વર તળાવ નજીક રહેતો મહેશ ઉર્ફે ચીચુ ચીમનભાઈ દેવીપુજક ઘરની બાજૂમાં છાપરીમાં દેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી ખંભાત શહેર પોલીસને મળી હતી. પોલીસે દરોડો કરી મહેશ ઉર્ફે ચીચુને ઝડપી પાડી તલાશી લેતા છાપરીમાં જમીનમાં દાટેલી પ્લાસ્ટિકની ૧૮ ટાંકી મળી આવી હતી. જેમાંથી ૯૦ લિટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૧૨ હજારનો દેશી દારૂ, રૂ.૨૨,૫૦૦નો વોશ મળી કુલ રૂ.૩૪,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.
ઉપરાંત ખંભાતની મેતપુર સ્કૂલની પાછળ નરનારાયણ સોસાયટીમાં રહેતો અરવિંદભાઈ મગનભાઈ તળપદા (ઉં.વ. ૪૫) મકાનની બાજૂમાં આવેલી બાવડીમાં દેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની આણંદ એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ દરોડો કરી શખ્સને ઝડપી પાડી તપાસ કરતા દારૂ ભરેલા પ્લાસ્ટિકના કેરબા, ટાંકી તથા ગેલન મળી આવ્યા હતા. પોલીસે રૂ.૨૨ હજારનો ૧૧૦ લિટર દેશી દારૂ, રૂ. ૪૮,૭૫૦ની કિંમતનો ૧૯૫૦ લિટર વોશ મળી કુલ રૂ. ૭૦,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.