મોરબી નજીક 2500 લિટર જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે 2 ઝડપાયા
પીપળીયા ચાર રસ્તા નજીક LCB ટીમનો દરોડો : ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો નાનાં ટેન્કરોમાં લાવીને ગેરકાયદે રીતે ટ્રકોમાં ભરી આપતા હોવાનું ખુલતા કાર્યવાહી
મોરબી, : મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડીઝલ ચોરી, ઓઈલ ચોરી અને કોલસા ચોરી સહિતની અનેક ગેરકાયદેસર પ્રવૃતીનો પર્દાફાશ કર્ર્યા બાદ મોરબી પોલીસ દ્વારા પણ ઠેર ઠેર તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મોરબી ડીવાયએસપી અને એલસીબી ટીમે માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીકથી ગેરકાયદેસર રીતે જવલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ડીવાય એસપી અને એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન પીપળીયા ચાર રસ્તા નજીક રાધે ક્રિષ્ના હોટલ પાછળ ધર્મેશભાઈ ઉર્ફે હકાભાઇ ચાવડા (રહે. મોરબી) પોતાના ડેલામાં ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીઝયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેન્કરમાં લાવીને બહારથી આવતી ટ્રકોમાં ભરી આપતા હોવાની બાતમી મળી હતી. જેથી દરોડો પાડતાં ત્યાંથી પેટ્રોલીયમ પ્રવાહી લીટર 2500 કિંમત રૂા. 1,75,00 , નાનું ટેન્કર કિંમત રૂા. 10,10,1000 ટ્રક બે કિંમત રૂા. 60,100,1000 અને ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ કિંમત રૂા.5,00,000 એમ કુલ કિંમત રૂા.72,25,000ના મુદ્દામાલ સાથે રાજુસિંહ મન્નાલાલ ઠાકોર અને વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર બંને ટ્રક ડ્રાઈવરોને ઝડપી પાડી ધર્મેશભાઈ ઉર્ફે હકાભાઇ બાબુભાઈ ચાવડા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જિલ્લામાં હાઈવે પર ગેસ કટિંગ, ડીઝલ ચોરી સહિતના અનેક ગેરકાયદેસર ધંધા ચાલતા હોય છે, પરંતુ એસએમસીની ટીમના દરોડા બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી હોય અને દરોડાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.