પૂજા કરવાના બહાને સોનાની વીંટી સરકાવી લેનાર સાળા-બનેવી ઝડપાયા, કુલ 1.16 લાખનો મુદ્દામાલ કબજે
Vadodara Fraud : ભિક્ષા માંગવાના તથા પૂજા કરવાના બહાને લોકોની નજર ચૂકવી દાગીના સરકાવી લેનાર સાળા-બનેવીને ક્રાઈમ બ્રાન્ચે પાણીગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોનાની વીંટી એક મોબાઈલ અને ઓટોરિક્ષા મળી 1.16 લાખનો મુદ્દામાલ કબજે કરીને પાણીગેટ પોલીસને સોંપીયો હતો.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ અનડિટેક્ટ ચોરીના સહિતના ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બે શખ્સો રિક્ષામાં શંકાસ્પદ મુદ્દા માલ ભરીને આયુર્વેદિક હોસ્ટેલ પાસેથી પસાર થવાના છે. જે બાતમીના આધારે પાણીગેટ આયુર્વેદિક હોસ્ટેલ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન માહીતી મુજબની ઓટોરીક્ષા આવતા ક્રાઈમ બ્રાન્ચે તેને રોકી હતી. રિક્ષામાં બે શખશો સાવનનાથ સુરમનાથ મદારી ઉ.વ.23 ( રહે.સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા, મુળ રહે. ગામ.ખડાલ, તા.કઠલાલ, જી.ખેડા) તથા રાજુનાથ રૂમાલનાથ મદારી ઉ.વ.30 (રહે. સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા, મુળ રહે. ગામ-આત્રોલી, તા.કપડવંજ, જી.ખેડા)નાઓ મળી આવ્યા હતા. આ બન્નેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડતી કરાતા દરમ્યાન તેમની પાસેથી એક મોબાઇલ તથા એક સોનાની વીંટી મળી આવી હતી. આ બન્ને ઇસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની વિંટી, મો.ફોન.અને ઓટોરીક્ષાના પુરાવા માંગતા તેઓ રજુ કરી શક્યા ન હતા. આ બન્ને ઇસમોની પુછપરછ કરતા બન્ને સબંધમાં સાળા-બનેવી થતા થાય છે. વડોદરામાં તેઓ પાસેની ઓટોરીક્ષામાં ભીક્ષા માંગવાના બહાને 16 સપ્ટેમ્બરના રોજ બપોરના એક વાગે કલાદર્શન ચાર રસ્તા ખાતેની શોપ પર એક આરોપી જઈ ફરીયાદી બેનની હાથમાં પહેરેલી સોનાની વિંટી પૂજા કરવા માટે ટેબલ ઉપર મુકાવી હતી અને બાદમાં નજર ચુકવી ટેબલ ઉપર મુકેલ સોનાની વિંટી લઈ બન્ને ઇસમો ઓટોરીક્ષામાં નાસી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી એક સોનાની વિંટી, મોબાઇલ અને એક ઓટોરીક્ષા રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે.