પોલીસમેન પર જીવલેણ હુમલાના કેસમાં 2 આરોપીની 7 વર્ષની સજા
ભાણેજને બચાવવા જતા પોલીસમેનની જે ભાણેજની છેડતી થઈ હતી તે કોર્ટમાં હોસ્ટાઈલ થઈ હતી : આરોપી સાથે લગ્ન પણ કરી લીધા હતા
રાજકોટ, : રાજકોટમાં 2013ની સાલમાં મામાના ઘરે આવેલી ભાણેજની છેડતી કરનાર ચાર આરોપીઓથી તેને બચાવવા ગયેલા તેના મામા એવા પોલીસમેન ઉપર ચારેય આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ કેસ ચાલી જતાં એડીશ્નલ સેશન્સ જજ વી.કે. ભટ્ટે બે આરોપીઓ વિશાલ જયેશ વાઘેલા (ઉ.વ. 30) અને પ્રદીપ ઉર્ફે પીન્ટુ વાઘેલા (ઉ.વ. 34)ને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. 50,000નો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ગઈ તા. 27-8-2013નાં રોજ દાસી જીવણપરા વિસ્તારમાં મામાને ઘરે આવેલી યુવતીની રાત્રીનાં સમયે કૃષ્ણ ઉત્સવનાં ડાયરા દરમિયાન આરોપી વિશાલ વાઘેલા, પીન્ટુ વાઘેલા, મુકેશ કાન્તીભાઈ મકવાણા અને નિતિન ખીમજી શારેસાએ મશ્કરી કરી હતી. તે વખતે ટ્રાફીક પોલીસ તરીકે ફરજ બજાવી રહેલા તેના બીજા મામા દિપક મુળજીભાઈ પરમાર બચાવવા વચ્ચે પડતા આરોપી વિશાલે સ્કોર્પીયોમાંથી લોખંડનો પાઈપ કાઢી માથામાં ઝીંકી દીધો હતો. જયારે પ્રદિપે બેઝબોલના ધોકાથી હુમલો કર્યો હતો. જેને કારણે દિપકભાઈ જંમીન પર પટકાઈ ગયા બાદ આરોપી વિશાલે પોતાની સ્કોર્પીયો તેની ઉપર ફેરવી દીધી હતી. જેમાં દીપકભાઈને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયાં તેનું ડાંઈગ ડેકલેરેશન પણ લેવાયું હતું. સદનસીબે તેનો બચાવ થયો હતો.
આ કેસ ચાલવા પર આવતા દિપકભાઈ અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી. જેમાં સાહેદોએ બનાવ અંગેની સ્પષ્ટ વિગતો સચોટ રીતે જણાવી હતી. આ કેસની વિશિષ્ટતા એ હતી કે, જે યુવતિની મશ્કરી થઈ હતી તે જુબાની દરમિયાન હોસ્ટાઈલ જાહેર થઈ હતી. એટલું જ નહીં તેણે આરોપી વિશાલ સાથે લગ્ન પણ કરી લીધા હતાં.
આ પરિસ્થિતિનો લાભ લઈ બચાવ પક્ષે એવી રજુઆત કરી હતી કે, જે યુવતીની મશ્કરી થઈ રહી હતી તે જ બનાવને સમર્થન આપતી ન હોય ત્યારે આરોપી સામેનો કેસ સાબીત થયેલ ગણાય નહીં. જેની સામે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરાએ એવી રજુઆત કરી કે, હોસ્ટાઈલ જાહેર થયેલી યુવતિ ફક્ત મશ્કરીનો ભોગ બનનાર સાહેદ હતી. હાલનો કેસ તેની મશ્કરી અંગેનો નહી પરંતુ ફરીયાદીની હત્યાની કોશીષનો છે. વળી ફરીયાદી પોતાને થયેલી ઈજાઓ અંગે સ્પષ્ટ રીતે જણાવતા હોય અને આરોપીઓને ઓળખી બતાવતા હોય ત્યારે હત્યાની કોશીષનો ગુનો સાબીત થયેલો ગણાય. જેમાં હાસ્ટાઈલ થયેલી યુવતીની મશ્કરીના કેસને જોડી શકાય નહીં. સજા પામનાર બન્ને આરોપીઓ તરફથી પ્રોબેશનનો લાભ મેળવવા અરજી કરાઈ હતી. જે અરજી અદાલતે ના મંજુર કરી હતી.