78,000 મણ કપાસ ખરીદીને 2.98 કરોડની છેતરપિંડી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
78,000  મણ કપાસ ખરીદીને 2.98 કરોડની છેતરપિંડી 1 - image

સિદ્ધનાથ જીનિંગ મિલના 5 માલિકો સામે ફરિયાદ  : 54 ખેડૂતોએ બીજી વખત હોબાળો મચાવતા પોલીસે આખરે ગુનો નોંધ્યો :  છેતરપિંડીનો આંક કરોડોને પાર પહોંચવાની શક્યતા  

સુરેન્દ્રનગર, : ચોટીલા-થાન રોડ ઉપર આવેલા શ્રી સિદ્ધનાથ કોટેક્ષ એન્ડ સ્પીનિંગ મિલ (જીન)ના રાજકોટના માલિકો ચોટીલા સહિત આસપાસના ગામો, જિલ્લાઓના ખેડૂતો પાસેથી ઉંચા ભાવો આપવાની લાલચ આપી કપાસની ખરીદી કર્યા બાદ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. તેમજ મિલને તાળુ મારી ફરાર થઈ જતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવના ૨૪ દિવસ બાદ ચોટીલા પોલીસ મથકે જીનના રાજકોટના 5 માલિકો સામે 54 ખેડૂતો પાસેથી 78,455 મણ કપાસ ખરીદી કુલ રૂા. 2.98 કરોડ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે 200 કરોડથી વધુની ઠગાઈ આચરી હોવાની આશંકા સેવાઈ રહી છે.  
ચોટીલામાં રહેતા ખેડૂત મનસુરભાઈ અબ્દુલભાઈ કલાડિયાએ પોતાના ખેતરમાં વર્ષ 2023માં કપાસનું વાવેતર કર્યું હતું. જેની ઉપજ અંદાજે 700  મણ થતાં ચોટીલા-થાન રોડ ઉપર આવેલી શ્રી સિદ્ધનાથ કોટેક્ષ મિલમાં કપાસ વેચ્યો હતો. ત્યારે જીનમાલિકોએ રકમ ચૂકવી આપી હતી.  ત્યારબાદ ખેડૂતે પોતાના દીકરાના કુલ 605 મણ કપાસનું પણ સિદ્ધનાથ જીનમાં વેચાણ કર્યું હતું. તે સમયે જીનના માલિકોએ ખેડૂતને ઉંચા ભાવ આપવાની લાલચ આપી હતી અને પ્રતિ મણ રૂ.૧,૬૦૦ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વેચેલા કપાસના પૈસા અંગે ખેડૂતે અવારનવાર જીન માલિકો પાસે ઉઘરાણી કરતા તે ખોટા વાયદા આપતા હતા.  
દરમિયાન ખેડૂતના ભાઈ નુરાભાઈ કલાડિયાએ પણ પોતાના 1503 મણ કપાસનું પ્રતિ મણ રૂ. 1600 લેખે વેચાણ કર્યું હતું. જોકે, જીન માલિકોએ તેની રકમ પણ ચૂકવી નહતી. જેથી ભોગ બનનાર ખેડૂતો જીન માલિકો પાસે બાકીની રકમ વસુલવા માટે ગત તા. 20 ઓગસ્ટે ગયા હતા. ત્યારે જીનના માલિકો તાળુ મારી નાસી છુટયા હતા. તેમજ ખેડૂતોના ફોન પણ રિસિવ કર્યા ન હતા. તેમછતાં કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ ગત ગુરૂવારે હોબાળો મચાવ્યો હતો. 
મનસુરભાઈ અબ્દુલભાઈ કલાડિયાએ પોતાના 650 મણ કપાસ કિંમત રૂા. 9.58 લાખ, તેમના ભાઈનો 1503 મણ કપાસ કિંમત રૂા. 24.04 લાખ મળી કુલ રૂા. 33.72 લાખ તેમજ ચોટીલા, સાયલા, વીછીંયા સહિતના ગામોના શામળાભાઈ પી. ગોગળાનો 1600 મણ કપાસ કિંમત રૂા. 31.90 લાખ, માલાભાઈ એલ. રાઠોડનો 1550 મણ કપાસ કિંમત રૂા. 20.95 લાખ, સુરેશભાઈ કે. ખાચરનો 1550 મણ કપાસ કિંમત રૂ. 20.17 લાખ મળી બાવન ખેડૂતોના કપાસ કિંમત રૂા. 2.64 કરોડ મળી કુલ રૂા. 2.98 કરોડની કપાસની ખરીદી કર્યા બાદ જીનમાલીકો દ્વારા ખોટા વાયદાઓ કરી તેની રકમ નહિં ચુકવતા ચોટીલા પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે પાંચ જીન માલીકો સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના 24 દિવસ બાદ ચોટીલા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News