mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

PM Kisan Yojna : ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની PM કિસાન યોજનામાંથી બાદબાકી, જાણો કેમ નહી મળે સહાય?

Updated: Jun 28th, 2024

representative image Gujarat farmers Excluded pm kisan scheme
Image : Pixabay

PM Kisan Yojna: કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાદિવસો પહેલા જ મંગળવારે (18 જૂન) ઉત્તર પ્રદેશના વારાણસીથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો હતો. દેશભરમાં લગભગ 9.26 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ રૂપિયા 2,000 બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  જો કે આ ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે નહીં. આ પાછળનું કારણ રાજ્ય સરકારે આપ્યું છે.

સરકારે 17માં હપ્તામાં કુલ 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

દેશભરના અંદાજે 9.26 કરોડ ખેડૂતો માટે આ 17માં હપ્તામાં સરકારે કુલ 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો કે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને આ યોજનામાંથી બાદબાકી કરવામાં આવી છે. એટલે ગુજરાતના ખેડૂતોને 2,000 રૂપિયાની સહાય મળશે નહીં. રાજ્ય સરકારે આ પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે 'પાત્રતા ન હોવા છતાં યોજનાનો ખોટી રીતે લાભ લેતા કુલ 2.62 લાખ ખેડૂતોને સહાય આપવાથી બાદબાકી કરી છે. આ ખેડૂતો ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા, જેના નામ રદ કરાયા છે.' 

ખેડૂતો પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવશે

રાજ્ય સરકાર આગળ ઉમેરતા કહ્યું હતું કે કેટલાક ખેડૂતો ઈન્કમ ટેક્સ (IT) રિટર્ન ભરતા હતા છતાં લાભ લેતા હતા. તો કેટલાક ખેડૂત તરીકે પતિ-પત્ની બંને સહાય મેળવતા હતા. આ ઉપરાંત કેટલાક ખેડૂતોને પેન્શન મળતું હોવા છતાં યોજનાનો હપ્તો મેળવતા હતા. આ સિવાય મરણ થયું હોય તેવા ખેડૂતોના નામે પણ લાભ લેવાતો હતો. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે જે ખેડૂતોએ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે. જિલ્લા તંત્ર દ્વારા ગ્રામસેવકોની મદદથી તે ખેડૂતો પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવશે.

ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી એવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. આ યોજના એવા ખેડૂતો માટે શરુ કરવામાં આવી છે, જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે અને ગરીબ વર્ગમાંથી આવે છે. તેથી, આ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને 2-2 હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર આ જ મહિનાની 18મી તારીખે યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો હતો. 

PM Kisan Yojna : ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની PM કિસાન યોજનામાંથી બાદબાકી, જાણો કેમ નહી મળે સહાય? 2 - image

Gujarat