પાટડીના આદરીયાણામાંથી ચાઈનીઝ દોરીની 192 રીલ ઝડપાઇ
- પ્રતિબંધ છતાં દોરીનો બેફામ વેપલો
- બે શખ્સની ધરપકડ : જિલ્લામાં ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની ફરિયાદ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના આદરીયાણા ગામની બજારમાંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે રૂા.૧૯ હજારની કિંમતની ચાઇનીઝ દોરીની ૧૯૨ રીલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી છે.
ઉતરાયણના પર્વને ધ્યાને લઈ સરકાર દ્વારા છેલ્લા ધણા સમયથી પ્રતિબંધીત તેમજ ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એલસીબી પોલીસે પાટડી તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે આદરીયાણા ગામની બજારમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની હકિકતના આધારે રેઈડ કરી હતી. જેમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકની ચાઈનીઝ દોરીના ૧૯૨ ટેલર કિંમત રૂા.૧૯,૨૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સો ગણેશભાઈ ભોપાભાઈ ઠાકોર (રહે.દસાડા) અને મયુરભાઈ નનુભાઈ દેસાઈ (રહે.આદરીયાણા તા.પાટડી)ને ઝડપી પાડી ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે બજાર વિસ્તારમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે તેમજ પ્રતિબંધીત ચાઈનીજ દોરીનું વેચાણ કરતા શખ્સોમાં પણ આ બનાવને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો.