Get The App

સુરતના કતારગામમાં રેસીડેન્શીયલ વિસ્તારમાં ચાલતી ભંગારની 19 દુકાનો સીલ કરાઈ

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
સુરતના કતારગામમાં રેસીડેન્શીયલ વિસ્તારમાં ચાલતી ભંગારની 19 દુકાનો સીલ કરાઈ 1 - image

Surat : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં રેસિડન્સ વિસ્તારમાં ભંગારના ગોડાઉન લોકો માટે ન્યુસન્સ રૂપ બન્યાની ધારાસભ્યની ફરીયાદ બાદ ઝોન દ્વારા ભંગારના ગોડાઉન દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પણ કતારગામના રહેણાંક વિસ્તારમાંથી ભંગારની 19 દુકાન સીલ કરવામાં આવી છે. જોકે, કતારગામની જેમ જ પાલિકાના અન્ય ઝોન વિસ્તારમાં ભંગારની દુકાન અને ગોડાઉન રહેણાંક વિસ્તારમાં છે અને તે પણ લોકો માટે ન્યુસન્સરૂપ છે તેમ છતાં કોઈ કામગીરી થતી નથી. તેથી જો ફરિયાદ થાય તો જ પાલિકા ન્યુસન્સ દુર કરે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

કતારગામના ધારાસભ્ચ વિનોદ મોરડીયાએ પાલિકાની સંકલન બેઠકમાં રહેણાંક વિસ્તારમાં ભંગારની દુકાન અને ગોડાઉન લોકો માટે ન્યુસન્સ ઉભા કરી રહ્યાં છે. ભંગારની દુકાન-ગોડાઉન ગેરકાયદે હોવા સાથે તેમાં કામ કરતા ઈસમોની કાયમી ઓળખ નથી હોતી તેવો મુદ્દો ઊભો કર્યો હતો. ધારાસભ્યની ફરીયાદ બાદ કતારાગમ ઝોને અગાઉ રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારની દુકાન સામે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ગઈકાલે પણ કતારગામ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી વિવિધ ભંગારની દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સિંગણપોર રોડ પર, કોઝવે રોડ, વેડ રોડ, કતારગામ દરવાજા, વાળીનાથ ચોક, કાંસાનગર, બાલાજી ચોકડી, રામકથા રોડ પર આવેલ રેસિડેન્સિયલ વિસ્તારમાં ચાલતી ભંગારની કુલ 19 દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં પણ રેસીડેન્શીયલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ભંગારની દુકાન સીલ મારવાની કામગીરી ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.

 સુરતના કતારગામમાં રેસીડેન્શીયલ વિસ્તારમાં ચાલતી ભંગારની 19 દુકાનો સીલ કરાઈ 2 - image

પાલિકાના કતારગામ ઝોનમાં ધારાસભ્ય દ્વારા ફરિયાદ કરતા ઝોન દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારની દુકાન સીલ કરવાની કામગીરી શરુ કરી છે. જોકે, હજી પણ પાલિકાના તમામ ઝોનમાં માત્ર ભંગારની દુકાન જ નહી પરંતુ રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉન પણ આવ્યા છે. કોઈ પણ જાતની મંજુરી વિના અનેક ગોડાઉન છે તેમાં પણ ભંગાર જાહેર રોડ પર પણ પડી રહે છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે પાલિકા ફરિયાદ હોય તો જ ન્યુસન્સ દુર કરે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.


Google NewsGoogle News