જિલ્લા પંચાયત વિસ્તારનું બિન ખેતી દફ્તર ફાળવણી બંધ કરી દેવાયું
જિલ્લા પંચાયત વિસ્તાર માટે બે વર્ષ પહેલાં પાંચ અલગ ક્લાર્કોની નિમણૂંક કરાઇ હતી
વડોદરા, તા.22 વડોદરા કલેક્ટર કચેરીની ચીટનીસ શાખામાં બિન ખેતી બાબતે જિલ્લા પંચાયત વિસ્તારના પાંચ તાલુકા માટે અલગ અલગ ક્લાર્કોની છેલ્લા બે વર્ષ ઉપરાંતથી નિમણૂંક કરવામાં આવી હતી. આ નિમણૂંક જિલ્લા કલેક્ટરે બંધ કરી હવે માત્ર એક જ ક્લાર્કને જવાબદારી સોંપી દીધી છે આ સાથે કલેક્ટરની મહત્વની બ્રાંચો તેમજ અન્ય સ્થળેથી કુલ ૧૯ ક્લાર્કોની સાગમટે બદલી કરી દેતા રેવન્યૂ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં અગાઉ બિન ખેતીની પરવાગની માટેની પ્રક્રિયા થતી હતી પરંતુ બાદમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતોમાં થતી આ પ્રક્રિયા બંધ કરી દઇને બિન ખેતી માટેના તમામ કેસો જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યંમ હતું. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન બિન ખેતી કરવા માટેની કામગીરી વધી જતા આ વધારાની જવાબદારી ચીટનીસ શાખાને સોંપવામાં આવી હતી.
ચીટનીસ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરાતી હતી ત્યારે બે વર્ષ પહેલાં અગાઉના કલેક્ટર દ્વારા જિલ્લાના પાંચ તાલુકાઓની જમીન બિન ખેતી કરવા ચીટનીસ શાખામાં દરેક તાલુકા માટે અલગ કારકૂનનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષ ઉપરાંતથી ચાલતી આ પ્રથા પર હાલના જિલ્લા કલેક્ટરે બ્રેક મારી દીધો છે અને હવે એક જ ક્લાર્કને ફરજ સોંપી દીધી છે. જ્યારે ચીટનીસ શાખામાં ફરજ બજાવતા અન્ય ક્લાર્કોની બદલી કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે ગઇકાલે ૧૯ ક્લાર્કોની સામૂહિક બદલી કરવાનો નિર્ણય અચાનક લેતા કલેક્ટર કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બદલીઓમાં કલેક્ટર કચેરીમાં મહત્વની બ્રાંચો કહેવાતી બિન ખેતી તેમજ જમીન સુધારણામાં ફરજ બજાવતા ક્લાર્કોનો પણ સમાવેશ થાય છે. બદલીના ઓર્ડરમાં કલેક્ટર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જિલ્લા પંચાયત વિસ્તારની બિન ખેતી બાબતની દફ્તર ફાળવણી રદ કરવામાં આવે છે.