પોરબંદરમાં પતંગ દોરીથી 19 પંખીએ જીવ ગુમાવ્યો, 42 પક્ષીઓ સારવારમાં
મકરસંક્રાંતિનું પર્વ પક્ષીઓ માટે બન્યું લોહીયાળ
વન વિભાગ તથા પક્ષીપ્રેમી સંસ્થાઓના કાર્યકરોએ અનેક પંખીના જીવ બચાવ્યા : ઘાયલ થયેલાં પંખીઓમાં કબૂતરો વધુ
પોરબંદર જિલ્લામાં પતંગના દોરાથી ઇજા પામેલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે વિવિધ પક્ષીપ્રેમી સંસ્થાઓ અને વન વિભાગે સાથે મળીને આયોજન હાથ ધર્યું હતું. જેમાં ૬૧ જેટલાં પક્ષીઓ ઘાયલ થયા હતાં. ૧૯ પક્ષીઓની જીવાદોરી પણ કપાઇ ગઇ હતી. જ્યારે ૪૨ પંખીડાઓ હાલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદરમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે સૌથી વધુ કબુતરો ઘાયલ થયા હતા. તેઓને સમયસરની સારવાર મળતા તેઓના જીવ બચી ગયા છે. કારણ કે કબુતર વધુ ઉડાઉડ કરતા હોય અને તેના કારણે ઈજાગ્રસ્ત થવાના બનાવો થતા હોય છે.જેમાં જેટલા કબુતર ઘાયલ થયા હતા. જેમાંથી ૧૨ના મોત થયા હતા જ્યારે ૨૯ કબુતર હાલમાં પક્ષી અભ્યારણ્યમાં સારવાર હેઠળ હોવાનુ જાણવા મળ્યુ છે.
પોરબંદરના પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર માટે લાવવામાં આવેલ કબુતર ઉપરાંત ફલેમીંગો,બાજ, ઢોંક બગલા અને ઢોર બગલાએ દમ તોડયા હતા.જેમાં વનવિભાગે આપેલી માહિતી પ્રમાણે ૮ જેટલા ફલેમીંગો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણના મોત થયા હતા જ્યારે પાંચ ફલેમીંગો પક્ષી અભ્યારણ્યમાં સારવાર હેઠળ છે. બે ઢોંક બગલા ઇજાગ્રસ્ત થયા હતા અને બંનેના મોત નિપજ્યા છે એ જ રીતે દુર્લભ ગણાતુ બાજપક્ષી પણ એક ઘવાયુ હતુ અને તેનુ મોત થયુ છે. ત્રણ ઢોર બગલા ઘવાયા હતા જેમાંથી એકનું મોત થયુ છે જ્યારે બે સારવાર હેઠળ છે. બે કોયલ, એક ઇગ્રેટ, એક ગીજ, એક ચકો, અને એક સીંગલ પણ ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.