સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા
Surat Corporation : સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં પાલિકાની મંજુરી વિના ટેમ્પરરી સ્ટ્રકચરવાળા ગોડાઉનના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ પણ ગોડાઉન બંધ ન થતાં શનિવાર બાદ આજે ઝોન દ્વારા આવા 18 ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસ્તા પર બનાવેલા પતરાના શેડ દુર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં આવેલ ફા.ટી.પી સ્કીમ નંબર-39(ઉધના-લિંબાયત) અને મોજે ઉધનામાં વિવિધ સ્થળોએ મંજુરી વગર મિલકતદારો/કબજેદારો દ્વારા ધંધાદારી ઉપયોગ કરી ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં દુકાન, ગોડાઉન બનાવવામાં આવ્યા છે. પાલિકાની મંજુરી વિના આ સ્ટ્રચર બનાવ્યા છે જે આસપાસના લોકો માટે જોખમી છે. આ ગોડાઉન-દુકાનોમાં લાકડા ફર્નિચરની વસ્તુ, કાગળના પુઠા, પ્લાસ્ટિક વેસ્ટ, કાપડના ટુકડા(ચીંદી વેસ્ટ), ભંગાર તથા અન્ય જ્વલનશીલ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવી રહી છે.
આવા પ્રકારની પ્રવૃત્તિને કારણે આગ જનની ઘટના બનવાની શક્યતા રહેલી છે. જેના કારણે લિંબાયત ઝોન દ્વારા 18 ટેમ્પરરી સ્ટ્રક્ચર સીલ મારવામાં આવેલ તથા જાહેર રસ્તા ઉપર બનાવવામાં આવેલ અંદાજીત 5,000 ચો.મી. પતરાના શેડ દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત આવા જોખમી સ્ટ્રક્ચર આગામી દિવસોમાં દૂર કરવામાં આવશે તેવું પાલિકાએ જણાવ્યું છે.