વડોદરામાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમની રચના : ટીમ સાથે પોલીસ રહેશે, પાંચ ટીમ રાઉન્ડ ધી ક્લોક કામ કરશે
Vadodara Stray Cattle Policy : વડોદરા શહેરમાં જાહેર રોડ રસ્તા પર અને અંતરિયાળ ગલી-કૂચિ સહિતના રોડ પર રખડતા ઢોરને પકડવા માટે પાલિકા તંત્રમાં હાલ આઠ ઢોર પાર્ટી કાર્યરત છે જેમાં વધુ નવી 10 પાર્ટીનો ઉમેરો પાલિકા તંત્ર દ્વારા કરાશે. આ અંગે પ્રત્યેક ટીમ સાથે પાંચ પોલીસ જવાનો સહિત હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. પાલિકાના વહીવટી તંત્રને મોડે મોડે પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું છે.
અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારનો રખડતા ઢોર માટે ઉધડો લીધો હતો. ત્યારબાદ રાતોરાત જાણે કે, તંત્રને કામ કરવાની ચાનક ચડી હોય એવી રીતે રોજે રોજ ઢોર પકડવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હતા. પરંતુ ગણતરીના દિવસો બાદ 'જૈસે થે' ની જેમ હાઇકોર્ટના આદેશને પણ તંત્ર ઘોડીને પી ગયું હતું. અને રખડતા ઢોરની સ્થિતિ ફરી એકવાર યથાવત થઈ હતી. જાહેર રોડ-રસ્તા, ગલી કુચી કે પછી અંતરિયાળ રસ્તા પર ઠેર-ઠેર નંખાતા એઠવાડ ખાવા રખડતી ગાયો ભટકતી રહે છે અને જ્યાં પણ એઠવાડ કે અન્ય કોઈ ખાવાની વસ્તુ દેખાય તો સમૂહમાં નીકળેલી ગાયોએ બાજુ દોડે છે. પરિણામે વચ્ચે આવનાર વ્યક્તિઓને પણ ગાય શીગડે ચડાવતી જાય છે. રખડતી ગાયો પકડવા માટે બાલિકા તંત્ર દ્વારા અવારનવાર જુદી-જુદી સ્કીમો પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શહેરના છેવાડે પાંજરાપોળ પણ બનાવી છે. જ્યાં ગાયને રાખવા અને ઘાસચારો ખાવા બાબતેની સંપૂર્ણ વ્યવસ્થા પણ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ગાય પકડવા માટેની કોઈ ચોક્કસ નીતિ રીતે નહીં હોવાના કારણે શહેરમાં ચારે બાજુએ ગાયો રખડતી રહે છે. જોકે ગૌ પાલકો પોતાની ગાયોને વહેલી સવારે અને સાંજે દોહી લીધા બાદ રખડતી મૂકી દેતા હોય છે અને ત્યારબાદ ગાયો ગમે તેવો એઠવાડ ખાઈને પોતાનું પેટ ભરે છે. જોકે પાલિકા તંત્ર પાસે પણ પકડવાની કામગીરી માટે હાલમાં આઠ ટીમ કાર્યરત છે. આ ઉપરાંત જ્યારે પણ રખડતી ગાયો પકડવા માટે ચોક્કસ કાર્યક્રમ ગણવામાં આવે ત્યારે ઘણીવાર યોગ્ય પ્રમાણમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મળતો નથી હોતો. આ ઉપરાંત ગૌપાલકો અને તંત્રની ઢોર પકડતી ટીમ વચ્ચે કેટલીય વાર ચણભણ થવાના બનાવો પણ બનતા રહે છે ત્યારે હવે જાહેર રોડ રસ્તાઓ પર અને અંતરિયાળ રસ્તા અને ગલી કુચીઓ પરથી રખડતા ઢોર પકડવાની કામગીરીને સઘન બનાવવાના ભાગરૂપે પાલિકા તંત્ર દ્વારા વધુ 10 ઢોર પાર્ટી કાર્યરત કરવામાં આવી છે. આવી પ્રત્યેક ટીમ સાથે બંદોબસ્ત અર્થે પોલીસનું સંખ્યાબળ પણ ફાળવવા બાબતે પાલિકા તંત્ર દ્વારા શહેર પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી છે.
વડોદરા પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી ટીમ દ્વારા સંયુક્ત રીતે વડોદરા શહેર વિસ્તારના જાહેર રોડ રસ્તાઓ પર રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવે છે. જેના માટે હાલમાં કુલ આઠ ટીમો કાર્યરત છે. રોડ રસ્તા પર રખડતા ઢોરના ત્રાસનું નિવારણ થઈ શકે તે માટે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવા બાબતે ઢોર પાર્ટીની હયાત આઠ ટીમ ઉપરાંત નવી 10 ટીમ મળીને કુલ 18 ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં સવારની પાળીમાં કુલ ચાર ટીમ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ જનરલ શિફ્ટમાં કુલ ત્રણ ટીમ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહ્યા બાદ બીજી પાળીમાં ચાર ટીમ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અને રાત પાળીમાં ચાર ટીમ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ મુજબ ઢોર પાર્ટીની ટીમો સાથે પ્રત્યેક ટીમ માટે પાંચ પોલીસ જવાનો, એક હેડ કોન્સ્ટેબલ અને એક એએસઆઈનું સંખ્યા બળ ફાળવાશે.