18 ઈંચ વરસાદથી દ્વારકામાં જળતાંડવ: ઘરો પાણીમાં ડૂબ્યાં, NDRFની ટીમો થઈ દોડતી
Heavy Rain In Dwarka : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે દ્વારકામાં જળતાંડવને પગલે છેલ્લા 24 ક્લામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદી માહોલમાં ઘરોમાં ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા છે, તેવામાં દ્વારકામાં ભારે વરસાદને લઈને NDRFની ટીમો દોડતી થઈ છે.
છેલ્લા 24 ક્લામાં 18 ઈંચ વરસાદ, અતિભારે વરસાદને પગલે શાળાઓમાં રજા
ગઈ કાલથી દ્વારકામાં મેઘરાજા ધબડાટી બોલાવી રહ્યાં છે, ત્યારે સવારના 10 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં અતિભારે વરસાદને પગલે છેલ્લા 24 ક્લામાં 18 ઈંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ સાથે ઘરોમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાવવાથી NDRFની ટીમો દોડતી થઈ છે. બીજી તરફ, દ્વારકામાં સિઝનનો કુલ 36 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદને પગલે શિક્ષણતંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની પરિસ્થિતિ સામે તંત્ર દોડતું થયું છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, NDRFની દોડતી થઈ
દ્વારકાના ગુરુદ્વારા, ઈસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઈંચ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં કેટલાક લોકોના વાહન પાણીમાં ફસાયા હોવાથી ધક્કો મારીને બહાર નીકળવાની નોબત આવી હતી. આ સાથે દ્વારકાના મોટાભાગના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં પાણીનો ભરાવો થતાં NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : દ્રારકામાં બારે મેઘ ખાંગા, 30 કલાકમાં 22 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું
ઘરોમાં ત્રણ ફૂટ પાણી ભરાયા, નીચાણાવાળા વિસ્તારોમાં છાતી સમા પાણી
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકામાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે અનેક ઘરોમાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાતા લોકોનું જળજીવન અસ્તવ્યસ્ત થયું હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો છાતી સમા પાણી ભરાયા છે.