વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 શાળાના 173 ક્લાસરૂમ 34.47 કરોડના ખર્ચે બનાવાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 સ્કૂલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તા.10 ના રોજ કરવામાં આવશે. જેનો સમારોહ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ ખાતે સાંજે 5:45 કલાકે યોજાશે.
જેતલપુરની રામકૃષ્ણ પરમહંસ શાળા, નિઝામપુરાની મહારાણી લક્ષ્મીબાઈ શાળા, ગોરવાની સાવરકર હિન્દી શાળા, અકોટા ગામની ડો.હેડગેવાર શાળા, અકોટાની જ હેડગેવાર હિન્દી શાળા, એકતાનગરની રંગ અવધૂત શાળા, સૈયદ વાસણાની રાજા રામમોહનરાય શાળા, નાગરવાડાની જલારામ બાપા શાળા, હરણી રોડની સ્વામી વિવેકાનંદ શાળા, વાઘોડિયા રોડની લાલ બહાદુર શાસ્ત્રી શાળા અને વાડી બંબથાણાની જગદીશચંદ્ર બોઝ શાળાના મકાન નવા બનાવાશે. કુલ 173 ક્લાસરૂમ બનાવવામાં આવશે. જેનો ખર્ચ 34.47 કરોડ થશે. આ ઉપરાંત ફતેપુરાની કવિ સુન્દરમ શાળા, કિશનવાડીની વલ્લભાચાર્ય શાળા, નિઝામપુરાની મહર્ષિ અરવિંદ શાળા, કરોડીયાની મહર્ષિ વાલ્મિકી શાળા, સલાટ વાડાની માં વીરબાઈ શાળાના 91 ક્લાસરૂમ સાથેની નવી શાળાની બિલ્ડીંગો તથા સયાજીપુરામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે 200 ગર્લ્સની કેપેસિટીનું બિલ્ડીંગ તૈયાર કરાયું છે. આ તમામનો ખર્ચ 17.98 કરોડ થયો છે. આ તમામનું આવતીકાલે લોકાર્પણ થશે. શિક્ષણ સમિતિની હાલ 119 પ્રાથમિક શાળા, 10 માધ્યમિક શાળા અને 100 બાલવાડી છે, જેમાં 50,000 થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.