Get The App

પેથાપુર ખાતે ફ્લાયઓવર બનાવવા ૧૭૦ વૃક્ષોનો ખાતમો બોલાવાયો

Updated: Jan 24th, 2025


Google News
Google News
પેથાપુર ખાતે ફ્લાયઓવર બનાવવા ૧૭૦ વૃક્ષોનો ખાતમો બોલાવાયો 1 - image


વિકાસ કામો માટે હરિયાળીનો ભોગ

રોડ પહોળો કરવા અને બ્રીજ બનાવવા પાછળ કપાયેલા વૃક્ષોની સામે ૫.૮૭ લાખ રૃપિયા નહિવત વસૂલાયા

ગાંધીનગર :  ગાંધીનગરમાં વિકાસની આડમાં સેંકડો વૃક્ષોનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે ત્યારે પેથાપુર સર્કલે ફ્લાયઓવર તૈયાર કરવામાં ૧૭૦ વૃક્ષો પર તંત્રની કુહાડી ફરી વળી છે. આ વૃક્ષો કાપવા સામે આરએન્ડબી પાસેથી વનવિભાગે રૃપિયા ૫.૮૭ લાખ રૃપિયાની વસુલાત કરી છે પરંતુ તે આ ઘટાદાર અને જુના વૃક્ષો સામે નહિવત્ ગણાશે.

એક સમયે સૌથી હરિયાળા શહેરમાં અને ગ્રીનેસ્ટ કેપિટલમાં ગાંધીનગરની ગણતરી થતી હતી પરંતુ કાળક્રમે વિકાસની આંધળી દોડમાં રોડ રસ્તા પહોળા કરવા ઉપરાંત વિવિધ બિલ્ડીંગો-ભવનો તૈયાર કરવા વર્ષો જુના ઘટાદાર વૃક્ષો કાપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જેના ભાગરૃપે પેથાપુર ચાર રસ્તા ઉપર તૈયાર કરવામાં આવનાર ફ્યાલઓવર માટે પણ ૧૭૦ જેટલા વૃક્ષો ઉપર કુહાડી ફેરવી દેવામાં આવી છે. અહીં ફ્લાયઓવર અને રસ્તો પહોળો કરવા-સર્વિસ રોડ બનાવવા માટે કુલ ૧૭૦ વૃક્ષોનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. જેમાં મોટાભાગના લીમડાના વૃક્ષ હતા.

આ જગ્યાએથી કુલ ૭૬ જેટલા લીમડાના વૃક્ષો જમીનમાંથી ઉખાડી ફેંકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કણજી-કણજો,સીસમ, પેન્ટોફોર્મ, સરગવો, બદામ, કાસીદ, આશોપાલવ, નગોઇ સહિતના વિવિધ જાતવાન અને ઘટાદાર વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે જેની સામે નિયમોનુસાર વનવિભાગ દ્વારા અહીં ફ્લાયઓવર બનાવનાર માર્ગ અને મકાન વિભાગ પાસેથી વળતર પેટે કુલ ૫.૮૭ લાખ રૃપિયા વસુલવામાં આવ્યા છે. જે આ વર્ષો જુના ઘટાદાર વૃક્ષોની સામે ખુબ જ નહિવત ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં વળતર પેટે વધુ રકમ વસુલવા ઉપરાંત બને તેટલા વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે તો તે કરવા માટે પણ પર્યાવરણ પ્રેમીઓની માંગણી ઉઠી છે.

Tags :
Gandhinagar170-trees-were-cut-down

Google News
Google News