વડોદરાની 17 વર્ષીય સમિધાની સાયકલ પર શ્રીનગરથી કન્યાકુમારીની વિશ્વ રેકોર્ડ તોડવા યાત્રા શરૂ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
વડોદરાની 17 વર્ષીય સમિધાની સાયકલ પર શ્રીનગરથી કન્યાકુમારીની વિશ્વ રેકોર્ડ તોડવા યાત્રા શરૂ 1 - image


- રોજનું આશરે 300 કિલોમીટર સાયકલિંગ કરશે

- હાલનો 11 દિવસનો રેકોર્ડ મહારાષ્ટ્રની પ્રીતિ મશ્કેના નામે નોંધાયેલો છે

વડોદરા, તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર

વડોદરા માં ધોરણ 12 આર્ટસમાં ભણતી 17 વર્ષીય સમિધા સાયકલ પર શ્રીનગરથી કન્યાકુમારી જવા નીકળી છે .3676 કિલોમીટર  અંતર અગાઉના રેકોર્ડ કરતા ઓછા સમયમાં પૂરું કરી તે વિશ્વ વિક્રમ કરવા માંગે છે . સમિધાના પિતા કલ્પેશભાઈ ના કહેવા અનુસાર તારીખ 16 ની બપોરે 1 વાગે તે શ્રીનગરના લાલ ચોકથી રવાના થઈ હતી. હું ,મારી પત્ની તથા મારા મિત્ર કારમાં તેની પાછળ પાછળ છીએ. રોજ તે 15 થી 16 કલાક સાયકલિંગ કરી 300 કિલોમીટર નું અંતર કાપવા માંગે છે. તેની પાસે બાકીના આઠ કલાક રહે છે. જેમાં ખાવા પીવાનું, આરામ કરવા અને ઊંઘવાનો સમય રહે છે .વડોદરાની ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી શાળામાં ભણતી સમિધા જ્યારે બાર વરસની હતી, ત્યારે મનાલીથી લેહ ખારદુંગલા નો 775 કિલો મીટર નો રસ્તો દુનિયાનો સૌથી ઊંચો મોટરરેબલ રસ્તો છે ,તેના પર સાયકલિંગ કરેલું હતું .શ્રીનગર થી કન્યાકુમારી ના સાઇકલ માટે તે છેલ્લા દોઢ વર્ષથી પ્રેક્ટિસ કરતી હતી .એમાં પણ છેલ્લા એક મહિનાથી મનાલી સોલંગ વેલી માં એક મહિનો પ્રેક્ટિસ કરી હતી.

વડોદરાની 17 વર્ષીય સમિધાની સાયકલ પર શ્રીનગરથી કન્યાકુમારીની વિશ્વ રેકોર્ડ તોડવા યાત્રા શરૂ 2 - image

શ્રીનગરથી કન્યાકુમારી  સાયકલિંગનો સોલો વિશ્વ વિક્રમ મહારાષ્ટ્રના 45 વર્ષીય પ્રીતિ મશ્કે એ આશરે 11 દિવસ માં નોંધાવ્યો છે .તેમનો સાયકલિંગ રૂટ પણ બાર રાજ્યમાંથી પસાર થયો હતો. સમિધા આ રેકોર્ડ તોડવા માટે પૂરતી પ્રયત્નશીલ છે. રોજના સાયકલિંગ ની નોંધ માટે તેમની પાસે ખાસ ડિવાઇસ છે. જેમાં રોજ કેટલું અંતર કાપે છે, તેની નોંધ થાય છે .તેમજ જીપીએસ ઉપરાંત લોગ શીટ પણ રાખેલી છે. જેમાં પણ નોંધ થતી રહે છે .ગઈકાલે બપોરે તેઓ એક વાગ્યે નીકળ્યા એ પછી રાત્રે 180 કિલોમીટર દૂર ઉધમપુર પહોંચી ગયા હતા, અને આ જ બપોર સુધીમાં ટાર્ગેટ મુજબ 300 કિલોમીટરનું અંતર પૂર્ણ કરી દેવાશે .

તેમનો રૂટ લુધિયાણા, જયપુર ,કોટા ,ઈન્દોર, પુણે, ધૂળિયા, ઔરંગાબાદ, સોલાપુર , બેંગ્લોર, મદુરાઈ અને કન્યાકુમારીનો છે. જો આ રેકોર્ડ તૂટશે તો તેની નોંધ વર્લ્ડ અલ્ટ્રા સાયકલિંગ એસોસિએશન માં થશે અને તેના દ્વારા રેકોર્ડ ની નોંધ ગિનિસ બુકને પણ પહોંચી જશે.  સમિધા માને છે કે નાના નાના પ્રયાસોથી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય છે .એક કિલોમીટર દૂર શાકભાજી લેવા જવા વાહનોને બદલે જો સાઇકલ નો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલનો વપરાશ અટકાવી શકાય અને પર્યાવરણને પેટ્રોલ ડીઝલના ધુમાડાથી નુકસાન થતું પણ રોકી શકાય. આ એક નાનો પ્રયાસ છે. બધા તેને જો અનુસરે તો તેની બહુ મોટી અસર થઈ શકે .એવું જ પ્લાસ્ટિકના વપરાશનું છે. તેનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. આ સિવાય સાઇકલિંગ થી શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે.



Google NewsGoogle News