17 ગામમાં કેટલા ઝીંગા તળાવો છે ? ઓલપાડના મામલતદારે રિપોર્ટ મંગાવ્યો
ચોમાસું આવતા ઝીંગા તળાવો યાદ આવ્યા
- રિપોર્ટ ઉનાળામાં મંગાવાયો હોત તો કાર્યવાહી પણ થઇ શકી હોત, ચોમાસામાં મશીનરી પહોંચવા સામે પ્રશ્નાર્થ
સુરત
ચોમાસુ શરૃ થઇ ચૂકયુ છે ત્યારે ઓલપાડ મામલતદાર દ્વારા ૧૭ ગામોમાં ગેરકાયદેસર ઝીંગાના તળાવો અંગે તલાટી પાસે એક રિપોર્ટ મંગાવ્યો છે. ત્યારે સ્થાનિક ગ્રામજનોમાં એકવાર ફરી રોષે ભરાયા છે કે આખુ વર્ષ ઝીંગાના તળાવો દેખાતા નથી. અને ચોમાસુ આવે ત્યારે જ દેખાય છે. હકીકત એ છે કે મામલતદાર કચેરી દ્વારા જ કેટલા તળાવો છે તેનો રિપોર્ટ આપવામાં આવ્યો છે અને પાછુ પુછાવે છે.
ચોમાસાની આગમનની સાથે જ વરસાદી પાણીનો ભરાવો થતા હોય તેવા વિસ્તારો અને ગ્રામોમાં પગલાં લેવાનું શરૃ કર્યુ છે ત્યારે ઓલપાડ મામલતદારે દરિયા કિનારાના ગામો દાંડી, કુદિયાણા, કપાસી, કુવાદ, સરસ, ઓરમા, મોર, દેલાસા, મંદરોઇ, નેશ, કાછોલ, હાથીસા, લવાછા, તેના, સોંદલાખારા, કોબા, ઠોઠબ ગામના તલાટી પાસે ગેરકાયદે ઝીંગાના તળાવો કોનો દ્વારા બનાવવામાં આવ્યા છે.કે વ્યકિતના નામ-સરનામા તથા કયા બ્લોકના નંબરો પર કેટલા ઝીંગાના તળાવો બનાવવામાં આવેલ છે ? તેની વિગતો પાંચ દિવસમાં મોકલી આપવા તાકીદ કરી છે. આ તાકીદને લઇને ગ્રામજનોમાં ભારે ઓક્રોશ ફેલાયો છે કે હવે ચોમાસુ શરૃ થયુ છે. અને ઓલપાડ પંથકમાં કયા ગામમાં કેટલા ઝીંગાના તળાવો છે. તેના સર્વે નંબરો સાથેની વિગતો જગજાહેર છે. અગાઉ મામલતદાર કચેરી દ્વારા જ આરટીઆઇમાં વિગતો આપી છે. તો વિધાનસભામાં પણ આ પ્રશ્ન પુછાઇ ચૂકયો છે. ત્યારે ચોમાસુ આવે ત્યારે જ આ દેખાય છે. હવે રિપોર્ટ લીધા પછી કેવી રીતે તોડશે તે પણ એક પ્રશ્ન છે ? કેમકે ચોમાસામાં તો મશીનરી જઇ શકાશે નહીં.
અગાઉ જે મામલતદાર કચેરીમાંથી માહિતી આપવામાં આવી હતી તે મુજબ ૧૩૪૩ હેકટર જમીનમાં બે હજારથી વધુ બિનઅધિકૃત ઝીંગાના તળાવો છે.