ભાવનગરમાં ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે 16 હોસ્પિટલમાં તપાસ કરાઈ
- ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે શાળા બાદ બીજા દિવસે હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ
- ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવી હોવાથી ર હોસ્પિટલને નોટિસ ફટકારી : આગામી દિવસોમાં ફાયર વિભાગ તપાસ યથાવત રાખશે
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીઝ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ૭૦ શાળા, હોસ્પિટલ વગેરે સ્થળે તપાસ કરવામાં આવશે અને ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવી હોય તેને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવશે. ગઈકાલે મંગળવારે ફાયર વિભાગની ટીમે ભાવનગર શહેરની રર શાળામાં ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરી હતી, જેમાં ૧૬ શાળાએ ફાયર સેફ્ટી રીન્યુઅલ કરાવી એનઓસી મેળવ્યુ હતુ, જયારે ૬ શાળાએ ફાયર સેફ્ટી રીન્યુઅલ કરાવવાની કામગીરી કરી ના હતી તેથી શાળાના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આજે બુધવારે સતત બીજા દિવસે મહાપાલિકાના ફાયર વિભાગે ૧૬ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં ૧૦ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી રીન્યુઅલ હતી, જયારે બે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી રીન્યુઅલ કરાવી ના હતી તેથી બંને હોસ્પિટલને નોટિસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યો હતો.
ફાયર સેફ્ટી શું કામ રીન્યુ નથી કરાવી ? તે અંગે હોસ્પિટલ સંચાલકોએ પાંચ દિવસમાં ખુલાસો આપવો પડશે, જો કે ફાયર સેફ્ટી રીન્યુઅલની કામગીરી એક દિવસમાં થઈ જતી હોય છે તેથી ફાયર વિભાગની નોટિસ બાદ મોટાભાગના લોકો ફાયર સેફ્ટી રીન્યુઅલની કામગીરી કરાવી લેતા હોય છે અને જે લોકો રીન્યુઅલની કામગીરી કરાવતા નથી તે બિલ્ડીંગને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમ ફાયર વિભાગના સુત્રોએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની અગ્નીકાંડની ઘટના બાદ સરકારની સૂચના અનુસાર ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ફાયર સેફ્ટીના સાધનો કે સીસ્ટમ ના હોય તે તમામ બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી, ઘણી બિલ્ડીંગને સીલ પણ મારવામાં આવ્યા હતા, સીલ માર્યા બાદ ઘણી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સીસ્ટમ નાખવામાં આવી હતી. ફાયર સેફ્ટીના સાધનો ના હોય તે બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.