ઉકાઇ ડેમના 16 દરવાજા ખોલી 3.10 લાખ ક્યુસેક પાણી છોડાયું, તાપી નદી છલોછલ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ઉકાઇ ડેમના 16 દરવાજા ખોલી 3.10 લાખ ક્યુસેક પાણી છોડાયું, તાપી નદી છલોછલ 1 - image



- સવારે 3.97 લાખ ક્યુસેક ઇન્ફ્લો આવતા ભયજનક સપાટીએ પાણી પહોંચે તે પહેલા ડિસ્ચાર્જ : સાંજે આઉટફ્લો ઘટીને 1.92 લાખ ક્યુસેક

- આખો દિવસ પાણીની આવક કરતા જાવક વધુ હોવાથી સપાટીમાં ઘટાડો, સાંજે 6 વાગ્યે 343.18 ફુટ

        સુરત

ઉકાઇ ડેમની સપાટી ડેન્જર લેવલને ટચ થાય તે પહેલા સતાધીશોએ આજે સવારે છ વાગ્યે ૩.૯૭ લાખ કયુસેક ઇનફલોની સામે ૧૬ દરવાજા ખોલીને આ વર્ષમાં પ્રથમ વખત ૩.૧૦ લાખ કયુસેક પાણી છોડીને સપાટી નીચી લઇ જવા કવાયત આદરતા સાંજે સપાટીમાં ઘટાડો થયો હતો. તો દિવસ દરમ્યાન તબક્કાવાર પાણીની આવક ઘટતા સતાધીશોએ પાણી છોડવાનું પણ ઘટાડીને સાંજે છ વાગ્યે ૧.૦૫ લાખ કયુસેક ઇનફલોની સામે ૧.૯૨ લાખ કયુસેક પાણી છોડીને સપાટી નીચી લઇ જવાનું ચાલુ રાખ્યુ છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ગત દિવસોમાં ભારે વરસાદના કારણે હથનુર ડેમમાંથી શનિવારે જે ચાર લાખ કયુસેક પાણી છોડાયુ હતુ. તે પાણીની આવક છેક આજે સોમવારે સવારે છ વાગ્યા સુધી જોવા મળી હતી. આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં ૩.૯૭ લાખ કયુસેક પાણી આવ્યુ હતુ. અને ત્યારબાદ સતત ઘટીને બપોરે બે વાગ્યે ૨.૩૨ લાખ કયુસેક અને સાંજે છ વાગ્યે ધટીને ૧.૦૫ લાખ કયુસેક થઇ ગયુ હતુ. તો જેમ જેમ પાણીની આવક ઘટતી ગઇ તેમ તેમ પાણી છોડવાનું પણ ઘટાડતા ગયા હતા. સવારે છ વાગ્યે ૩.૧૦ લાખ કયુસેક ત્યારબાદ બપોરે બે વાગ્યે ૨.૪૯ લાખ કયુસેક અને સાંજે છ વાગ્યાથી ૧.૯૨ લાખ કયુસેક પાણી છોડાતુ હતુ. આખો દિવસ પાણીની આવકની સામે વધુ પાણી છોડાતા સપાટીમાં પણ ઘટાડો થયો હતો. જેમાં સવારે છ વાગ્યે ૩૪૩.૬૦ ફુટથી ઘટીને સાંજે છ વાગ્યે ૩૪૩.૧૮ ફુટ થઇ હતી.

ઉકાઇ ડેમના સતાધીશોના જણાવ્યા મુજબ ઉપરવાસમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. અને હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દેવાયુ છે. જેના કારણે આજે રાત્રે જ ઉકાઇ ડેમમાં ઇનફલો ૧ લાખ કયુસેકની અંદર આવી જશે.જેની સામે હાલ જે ૧.૯૨ લાખ છોડાઇ રહ્યુ છે. તેમાં ઘટાડો કરીશુ. અને સવારે પરિસ્થિતિ જોયા બાદ કેટલુ પાણી છોડવુ અને નહીં છોડવુ તેનો નિર્ણય લઇશું.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ ધીમો પડયો

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં વેલંદા, કાંકડી અંબામાં ૧ ઇંચ, યરલી, અકોલા, નિઝર અને ચોપડાવામાં અડધો ઇંચ સહિત કુલ ૨૧૬ મિ.મિ વરસાદ અને સરેરાશ ૧૬ મિ.મિ વરસાદ નોંધાયો હતો. આમ ટેસ્કાથી લઇને ઉકાઇ સુધીના તમામ ૫૧ રેઇનગેજ સ્ટેશનમાં વરસાદ ધીમો પડતા સતાધીશોએ રાહતના શ્વાસ લીઘા હતા. તો બીજી તરફ હથનુર ડેમમાંથી પણ સવારે છ વાગ્યે ૯૦ હજાર કયુસેક આઉટફલોમાંથી ઘટાડીને ૩૮ હજાર કયુસેક કરી દેવાયુ હતુ. આ પાણીની આવક ઉકાઇ ડેમમાં આવતા ૨૪ થી ૩૬ કલાકનો સમય લાગશે. આથી આગામી દિવસોમાં ઉકાઇ ડેમમાં સામાન્ય પાણીની આવક આવશે. 


Google NewsGoogle News