શું સુરતના હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર નકલી તો નથી ને ? વરાછામાંથી 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો
Surat Duplicate Cheese : સુરત પાલિકાના ફૂડ વિભાગ અને વરાછા પોલીસ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત દરોડામાં 150 કિલોથી વધુનું શંકાસ્પદ પનીર ઝડપાયું હતું. પાલિકા અને પોલીસે કરેલા દરોડામાં ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત પાલિકાના પાંડેસરા વિસ્તારમાં થોડા સમય પહેલાં દરોડા પાડીને 230 કિલો થી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ગત મે મહિનામાં ઉધના ઝોન વિસ્તારના પાંડેસરા વિસ્તારમાં આવેલી ચીકુવાડી વિસ્તારમાં એક આઈસર ટેમ્પોમાં બનાવટી પનીર હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પાલિકાએ 230 કિલો બનાવટી જથ્થો ઝડપી પાડ્યો હતો. હોટલમાં જાય તે પહેલાં આ પનીર નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પણ સુરતમાં નકલી કે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. જેના કારણે સુરતની હોટલમાં પીરસાતું પનીર અસલી છે કે નકલી તે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
દરમિયાન આજે પાલિકાના વરાછા ઝોનમાં વરાછા તાસની વાડીમાં નકલી પનીર હોવાની માહિતી પાલિકાને મળી હતી. પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સાથે સંયુક્ત કામગીરી કરીને 150 કિલોથી વધુ માત્રામાં શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે અને આ શંકાસ્પદ પનીર સાથે ત્રણ લોકોની અટકાયત કરી છે અને પનીર ક્યાંથી આવ્યું અને ક્યા મોકલવાનું હતું તેની તપાસ હાથ ધરી છે.