દક્ષિણ ગુજરાતમાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા, શેરડી સહિતના બાગાયતી પાકને 150 કરોડનો ફટકો
દક્ષિણ ગુજરાતમાં 20 દિવસથી વરસાદને કારણે
Rain in South Gujarat : મેઘરાજાની રમઝટ ચાલુ જ રહેતા ડાંગરની સાથે દક્ષિણ ગુજરાતમાં ઉભા શેરડી, શાકભાજી, બાગાયતી પાકોને પણ મોટુ નુકશાન થતા ખેડૂતોને અંદાજે 150 કરોડથી વધુનો ફટકો પડતા ખેડૂતો રડી ઉઠયા હતા. તો શેરડીના નવા રોપાણમાં 30 ટકાનું નુકશાન અને શેરડીની કાપણ અટકી જવાની સાથે જ ટ્રકો પણ ખેતરોમાં નહીં જઇ શકતા આગામી નવેમ્બર મહિનાની પ્રથમ અઠવાડિયાથી શરૂ થનારી દસ શુગર મિલોમાં ખાંડનું ઉત્પાદન મોડુ શરૂ થાય તેમ છે.
ઓકટોબર મહિનામાં આમ તો મેઘરાજા વિદાય લઇ લેતા હોય છે. પરંતુ આ વર્ષે અડધો મહિનો વીતી ગયા હોવાછતા પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જમીનો ભીંનીને ભીંની જ રહેતા અને ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરના પાકને તો મોટુ નુકશાન થયુ છે. જયારે શેરડીના પાકને પણ નુકશાન થઇ રહ્યુ છે. આ અંગે ખેડૂત અગ્રણીઓ જણાવી રહ્યા છે કે ઓકટોબરથી દે ધનાધન વરસી રહેલા વરસાદે તો ડાંગરના પાકને તો મોટુ નુકશાન તો કર્યુ જ છે. સાથે જ શેરડી, શાકભાજી, બાગાયતી પાકો અને બાજરી, જુવાર, તલના પાકોને પણ મોટુ નુકશાન થઇ રહ્યુ છે.
હાલ એવી સ્થિતિ છે કે હાલમાં ખેડૂતો શેરડી, ડાંગરનું હાર્વેસ્ટીંગ શરૂ કરી દેતા હોય છે. તેની જગ્યાએ ખેડૂતો ખેતરમાંથી પાણી કાઢી રહ્યા છે. ખેતરોમાં પાણીમાં પલળાયેલા ડાંગરના પાકને કાપણી કરીને બહાર કાઢી રહ્યા છે. ડાંગર પછી સૌથી વધુ નુકશાન શેરડીના પાકને થઇ રહ્યુ છે. એક તો સપ્ટેમ્બર મહિનામાં શેરડીનું રોપાણ શરૂ કર્યુ હતુ. અને હજુ તો પાક ઉગી નિકળે તે પહેલા તો સતત વરસાદ વરસતા નવા 50 હજાર રોપાણમાંથી 30 ટકા પાક તો ડુબાણમાં જવાના કારણે આમ જ નષ્ટ થઇ ગયો છે.
જયારે દક્ષિણ ગુજરાતમાં 3 લાખ એકરમાં શેરડીનો પાક ઉભો છે. અને દ.ગુજરાતની દસ થી વધુ શુગરમિલો નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાથી તો ખાંડનું ઉત્પાદન શરૂ કરી દેનાર હતા. આ માટે તમામ તૈયારીઓ પણ થઇ ગઇ હતી. પરંતુ છેલ્લા 20 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે શેરડીની કાપણી કરવી અશકય છે સાથે જ ખેતરોમાં શેરડી લઇ જવા માટે ટ્રકો પણ જઇ શકે તેમ ના હોવાથી કારણી પણ અટકી પડી છે. જેના કારણે શુગર મિલો જે નવેમ્બરના પ્રથમ અઠવાડિયાથી શરૂ થવાની હતી. તે હવે મિલો પખવાડિયુ કે મહિનો મોડી શરૂ થાય તેમ છે.
આમ છેલ્લા 20 દિવસથી વરસાદ વરસતા દ.ગુજરાતના ખેડૂતોને ડાંગર, શેરડી, બાગાયતી, કઠોર પાકોમાં અંદાજે રૂા.150 કરોડથી વધુનો ફટકો પડયો છે. આથી ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરીને તત્કાળ સર્વે કરાવીને ખાસ કિસ્સામાં ખેડૂતોને નુકશાનીનું વળતર ચૂકવવા માંગ કરાઇ હતી.
શુગર મિલો શેરડી રોપાણ
બારડોલી | 14928 |
ગણદેવી | 9500 |
સાયણ | 5700 |
ચલથાણ | 5600 |
કામરેજ | 4800 |
મહુવા | 1400 |
પંડવાઇ | 1300 |
નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 100 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે
દક્ષિણ ગુજરાતનો મૌસમનો કુલ વરસાદ
જિલ્લો | વરસાદ ( ઇંચ) | ટકા |
વલસાડ | 126.56 | 135 |
નવસારી | 114.76 | 153 |
ડાંગ | 114.44 | 122 |
સુરત | 87.48 | 150 |
તાપી | 81.12 | 149 |
ભરૂચ | 53.44 | 177 |