ચરસના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને 15 વર્ષની સખત કેદ, રૃ.1.50 લાખ દંડ
નાર્કોટીક્સ એક્ટના ભંગના કેસમાં અગાઉ આરોપી રાજેશ ખત્રીને 10 વર્ષની સજા થવા છતાં બીજીવાર આવા જ ગુનામાં પકડાયો હતો
સુરત
નાર્કોટીક્સ એક્ટના ભંગના કેસમાં અગાઉ આરોપી રાજેશ ખત્રીને 10 વર્ષની સજા થવા છતાં બીજીવાર આવા જ ગુનામાં પકડાયો હતો
વર્ષ-2011માં નાર્કોટીક્સ
કેસોની ખાસ અદાલતે એનડીપીએસ એક્ટના ભંગના ગુનામાં દશ વર્ષની સખ્તકેદ તથા 1 લાખ દંડની સજા ફટકારવા છતાં બીજીવાર ચારેક વર્ષ પહેલાં ગેરકાયદે માદક
પદાર્થ ચરસના જથ્થાના વેચાણ-હેરાફેરી કરતાં પાંડેસરા પોલીસે રંગેહાથે ઝડપેલા
આરોપીને આજે નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય
ત્રિવેદીએ દોષી ઠેરવી 15 વર્ષની સખ્તકેદ,રૃ.1.50 લાખ દંડ તથા ન ભરે તો વધુ બે વર્ષની
સખ્તકેદની સજા ફટકારી છે.
એસઓજી પોલીસના ફરિયાદી પીઆઈ આર.આર.ચૌધરી તા.29-10-2017ના રોજ સગરામપુરા ખાતે હાજર હતા. જે દરમિયાન એએસઆઈ દલસુખભાઈને બાતમી મળી હતી કે, પાંડેસરા સત્યનારાયણ સોસાયટીમાં રહેતા રાજેશ ખત્રી, રવિ અને મુકેશ નામના શખ્શ પાસેથી ગેરકાયદે ચરસનો જથ્થો ખરીદી વેચાણના ઈરાદે પોતાના ઘરે રાખતો હતો. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ યુ.પી.ના ઝાંસીના વતની 52 વર્ષીય આરોપી રાજેશ ઉર્ફે વિક્કી કિશનલાલ ખત્રી (રે.સત્યનારાયણ સોસાયટી,પાંડેસરા)ના ઘરે તલાશી લેતાં તેના કબજામાંથી કુલ 82 હજારની કિંમતનો 811.05 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પાંડેસરા પોલીસે નાર્કોટીક્સ એક્ટની કલમ-8 (સી)20 (બી), 29ના ભંગ બદલ આરોપી રાજેશ ખત્રીની ધરપકડ કરી હતી. આ આરોપી અગાઉ વર્ષ-2006માં મહીધરપુરા પોલીસમાં નોંધાયેલા નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં પકડાયો હતો. જે ગુનામાં નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતે આરોપી રાજેશ ખત્રીને તા.14-12-2011માં ગુનામાં દોષી ઠેરવી દશ વર્ષની સખ્તકેદ, રૃ.1 લાખનો દંડ ફટકાર્યો હતો. જેથી આરોપીએ આ જ પ્રકારનો ગુનો બીજીવાર કર્યો હોવાથી એનડીપીએસ એક્ટની કલમ-31નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે કુલ 14 સાક્ષી તથા 31 દસ્તાવેજી પુરાવા રજુ કરીને ફરિયાદ પક્ષનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો. જેથી કોર્ટે આરોપી રાજેશ ઉફે વિક્કી ખત્રીએ બીજીવાર આ પ્રકારનો ગુનો આચરી કોમર્શિયલ કોન્ટીટી કરતાં પણ વધુ માદક પદાર્થ સાથે ઝડપાયો હોય આ `15 વર્ષની સખ્તકેદ તથા 1.50 લાખના દંડની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું હતું કે માદક પદાર્થનો દુરુપયોગ સામાજિક દુષણ હોઈ સમાજને કોરી ખાય છે. તદુપરાંત માદક પદાર્થની હેરાફેરી દેશના અર્થતંત્રને પણ વિપરિત અસર કરે છે. અગાઉ આરોપીને આવા જ પ્રકારના ગુનામાં દોષી ઠેરવ્યા બાદ સજા ભોગવીને ફરીથી આ ગુનો આચરતો હોય તો દેશમાં ગુના સંબંધે રેસીડીવીઝમ વધે તેમ છે. દેશના ભાવિ યુવા પેઢી માદક પર્દાથીના વ્યસની થઈને ભોગ બનતી હોવાથી રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિનો નાશ કરે છે. જ્યારે વ્યક્તિગત હિત કરતાં સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિશાળ હિતને કાયદાએ વધુ પ્રાધાન્ય આપ્યું છે.