Get The App

સુરત DRIએ MD ડ્રગ્સ સાથે ઝડપેલા બે આરોપીને 15 વર્ષની કેદ, 1.50 લાખ દંડ

છ વર્ષ પહેલા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હીનો ફોતીકઅલી અને હરિયાણાનો સુનિલ કૌશિક 7.50 કિલો જથ્થા સાથે પકડાયા હતા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News

 સુરત DRIએ MD ડ્રગ્સ સાથે ઝડપેલા બે આરોપીને 15 વર્ષની કેદ, 1.50 લાખ દંડ 1 - image

સુરત 

છ વર્ષ પહેલા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હીનો ફોતીકઅલી અને હરિયાણાનો સુનિલ કૌશિક 7.50 કિલો જથ્થા સાથે પકડાયા હતા

     

આજથી છ વર્ષ પહેલા સુરત ડી.આર.આઈ.એ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 7.5 કીલો એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપેલા દિલ્હી- હરિયાણાના બે  આરોપી મુસાફરોને આજે નાર્કોટીક્સ એક્ટના કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ.જોશીએ એનડીપીએસ એકટની કલમ -8સી) 9(6)28 સાથે વાંચતા 22(સી) અને 29 ના ભંગ બદલ 15 વર્ષની કેદ, પ્રત્યેક આરોપીને 1.5 લાખ દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

સુરત ડી.આર.આઈ.ને બાતમી મળી હતી કે  તા.24 -10-2019 દરમિયાન દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર એ-5 સીટ ન. 26 અને 29 પર મુસાફરી કરી રહેલા બે  પેસેન્જર પાસે અંદાજે 10 કિલોગ્રામ પ્રતિબંધિત મફેડ્રેનનો જથ્થો મુંબઈ સપ્લાય કરવા જઈ રહ્યા છે.જેથી અમદાવાદ, સુરત તથા વડોદરા ડી.આર.આઈ.ની ટીમે સંકલ કરી આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા આરોપી સુનિલ કૌશિક (રે.રૃમ નઃ.276,લોહારી જાટુ,ભીવાની,હરીયાણા) આરોપી ફોતીક અલી(રે.રૃમ નં.17 વઝીરપુર,અશોક વિહાર, નવી દિલ્હી) ની પંચોની હાજરીમાં તલાશી લેતા તેમની બેગમાંથી કુલ 7.5 કીલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો તથા રૃ.42હજાર મળીને મત્તા જપ્ત કરી હતી.જેથી સુરત ડી.આર. આઈ.ના ઈન્ટેલિજન્સ ઓફીસરે  એન.ડી.પી.એસ. એકટના ભંગ બદલ બંને આરોપીઓની ધરપકડ કરી લાજપોર મઘ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા.છેલ્લાં છ વર્ષથી કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતા આરોપી ફોતીક અલ્લી તથા સુનિલ કૌશિક ના વિરુદ્ધ હાથ ધરાયેલી કેસ કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવ પક્ષે મુખ્યત્વે એવી રજૂઆત કરી હતી કે આરોપી પાસેથી એમ.ડી.ડ્રગ્સ મળ્યું ન હોઈ  ગુનામાં ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે. આરોપી સુનિલ કૌશિક પોતે વાસણ સાફ કરવાના કેમિકલનો બિઝનેસ કરે છે .

આરોપી આ કેમિકલ મુંબઈ બોરીવલી સ્થિતની નરેશ સ્ટીલની કંપનીને બતાવવા માટે હતો. ડીઆરઆઈની સર્ચ અને સીઝરની કાર્યવાહી દરમિયાન સ્વતંત્ર પંચોની ગેરહાજરી છે. દિલ્હીથી આરોપી ટ્રેનમાં બેઠા હતા જે અંગે દિલ્હી ડીઆર આઈને તે અંગે જાણ કરી નથી.ટ્રેનમાં  ફરજ પર હાજર  આર.પી.એફ. કે તપાસ દરમિયાન અન્ય મુસાફરોનો નિવેદન લેવામાં આવ્યા નથી. એનડીપીએસ એકટની સેક્શન- 43મુજબની પ્રોસિજરને અનુસરવામાં આવી નથી.લખનૌ ડીઆરઆઈએ  10 કિલો એમની ડ્રગ્સની બાતમી આપી હતી પરંતુ આરોપીઓ પાસેથી 7.5  કીલો એમડી ડ્રગ્સ મળી આવ્યો હોવાનું જાહેર કર્યું છે. આ આરોપી સુનિલ કૌશીક તથામુખ્ય આરોપી સરોજ નેપાલ વચ્ચે વોટસ એપ ચેટ હોવા છતાં સરોજ નેપાળ ને પ્રોસીકયુશને તપાસ્યા નથી.

જ્યારે સરકાર પક્ષે 15 સાક્ષી તથા 30 દસ્તાવેજી પુરાવા રજૂ કરી જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી કોમર્શિયલ કોન્ટીટીના એમડી ડ્રગ્સનો જથ્થો તેમના પ્રત્યક્ષ કબજામાંથી મળી આવ્યો છે. આરોપીઓ નવી દિલ્હી ખાતે ભાડાના રૃમમાં રહીને મેફેડ્રેન બનાવતા હોવાનું  તેમના સ્ટેટમેન્ટ તથા પુરાવા રજૂ કરાયા હતા. જેથી કોર્ટે  રેકર્ડ પરના પુરાવા તથા બંને પક્ષોની દલીલો ને ઘ્યાને લઈ બંને આરોપીઓને એન.ડી.પી.એસ. એકટની ઉપરોક્ત ગુનાની કલમો હેઠળ દોષી ઠેરવીને `15 વર્ષની કેદ, પ્રત્યેક આરોપીને 1.5 લાખનો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ડ્રગ્સના દુષણના લીધે દેશની યુવા પેઢી ખુવાર થઈ રહી હોઈ આરોપીઓના ગુનાને હળવાશથી ન લઈ શકાયઃકોર્ટ

કોર્ટે જણાવ્યું છે કે હાલમાં સમાજમાં માદક પદાર્થ તથા ડ્રગ્સના વ્યસનના કારણે દેશની યુવા પેઢીને  ખુવાર કરી રહી છે.દેશના અર્થતંત્ર તથા યુવાધનને મોટા પાયા પર  વિપરીત અસર કરે છે. જેથી પ્રતિબંધિત ડ્રગ્સ -માદક પદાર્થો ની હેરાફેરી કરતા આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ડ્રગ્સ પેડલરોની સામે કડક ખાતે કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસાડવો ન્યાયના હિતમાં છે. આરોપીઓ પાસેથી મળી આવેલો એમડી ડ્રગ્સ નો જથ્થો કોમર્શિયલ કોન્ટીટીનો હોવાનું ફરિયાદ પક્ષે પુરવાર કર્યું છે. જેથી કોર્ટે આરોપીઓના ગંભીર ગુનાહિત કૃત્ય પ્રત્યે કુણું વલણ અપનાવવાનો ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે તેના કારણે ડ્રગ્સની હેરાફેરી કરનારા તત્ત્વોને પ્રોત્સાહન મળે તેમ છે.ડ્રગ્સનું દુષણ વ્યક્તિગતથી ઉપરવટ જઈને સમગ્ર સમાજ પર અને યુવાધન પર વિપરિત અસર કરે છે.


suratcourt

Google NewsGoogle News