Get The App

નર્મદા ડેમ છલકાયો! 15 ગેટ ખોલાયા, વડોદરા-ભરુચ સહિત 3 જિલ્લાના 40થી વધુ ગામમાં ફરી એલર્ટ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
નર્મદા ડેમ છલકાયો! 15 ગેટ ખોલાયા, વડોદરા-ભરુચ સહિત 3 જિલ્લાના 40થી વધુ ગામમાં ફરી એલર્ટ 1 - image

Sardar Sarovar Dam : ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ છલકાયા છે. આ દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે (12મી સપ્ટેમ્બર) સવારે નર્મદા ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી છે. જેના કારણે   ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,45,000 (45,000+ 2,00,000) કયુસેક પાણી છોડવામાં આવશે. કલેકટરે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે. 

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25થી વધુ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


Google NewsGoogle News