કોર્પો.ના મિલકત વેરા ભરવાની મુદતમાં ૧૫ દિવસનો વધારો
કોર્પોરેશનને રૃા.૭૨૧ કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૃા.૩૭૮ કરોડની આવક થઇ
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના મિલકત વેરા ભરવાની મુદતમાં ૧૫ દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા રહેણાંક અને બિનરહેણાંક મિલકતોના વેરા બિલ ચારેય ઝોનમાં બજાવી દેવાયા હતા. દક્ષિણ ઝોનમાં વોર્ડ નં.૧૬, ૧૭, ૧૮ અને ૧૯માં છેલ્લી તારીખ ૧૬ હતી જે હવે ૩૧ જાન્યુ. કરાઇ છે.
પશ્ચિમ ઝોનમાં વોર્ડ નં.૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં છેલ્લી તારીખ ૨૩ હતી, જે હવે ૭ ફેબુ્ર. કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નં.૧, ૨, ૩, ૭ અને ૧૩માં છેલ્લી તારીખ ૨૯ હતી જે હવે ૧૩ ફેબુ્ર. કરાઇ છે. વોર્ડ નં.૪, ૫, ૬, ૧૪ અને ૧૫માં છેલ્લી તારીખ ૩ ફેબુ્ર. હતી જે હવે ૧૮ ફેબુ્ર. કરવામાં આવી છે. વેરો ભરવા માટે દરેક વોર્ડ કચેરીમાં સવારે ૯.૩૦ થી સાંજે ૪ સુધી સમય હોય છે. જો કોઇ કરદાતાને વર્ષ ૨૦૨૪-૨૫નું બિલ ન મળ્યું હોય તો જેતે વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને મેળવી શકાશે.
કોર્પોરેશનમાં ચાલુ વર્ષે મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક રૃા.૭૨૧ કરોડ છે જેની સામે અત્યાર સુધી રૃા.૩૭૮ કરોડની આવક થઇ ચૂકી છે.