મનપાના સત્તાધીશોના કાર શોખ માટે વર્ષે ૧૫ કરોડનું થતું આંધણ
નેતાઓની કાર ઉપર નંબર પ્લેટથી મોટું હોદ્દાનું બોર્ડ વોર્ડ ઓફિસરોની કાર પરત ખેંચવા સૂચના, અમલમાં ઢીલઃ હેલમેટ જોતી પોલીસને સાયરન કેમ દેખાતી નથી- કોંગ્રેસ
રાજકોટ,: રાજકોટ મહાપાલિકા દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓને પ્રજાના ખર્ચે આડેધડ કાર ફાળવવામાં આવે છે અને આ કારના ઉપયોગથી તેમણે શુ વિઝીટ કરીને શુ કાર્યવાહી કરી અને કેટલા કિ.મી.કાર ચલાવી તેનો કોઈ હિસાબ રખાતો નથી અને હરવા ફરવા ,લગ્નપ્રસંગોમાં જવા કે મામકાઓને તેડવા મુકવા અને મહાકુંભ જેવા દૂરના સ્થળોએ જવા માટે પણ કારનો ઉપયોગ થતો રહે છે. આ કાર શોખને સંતોષવા રાજકોટવાસીઓએ વર્ષે રૃ।.૧૫ કરોડનું આંધણ કરવું પડે છે.
રોજ આશરે 4 હજાર લિટર જેટલું ઈંધણ વપરાય છે અને છતાં શહેરના પ્રશ્નોની તો લોકો જાણ કરેત્યારે ખબર પડે છે. સ્થાયી સમિતિ ચેરમેને આવકાર્ય અભિગમ અપનાવીને વોર્ડ ઓફિસરો, મેડીકલ ઓફિસરો વગેરેની કાર સુવિધા પાછી ખેંચવા જણાવ્યું છે પરંતુ,તેમાં પણ દોઢ માસની મુદત આપી દેવાઈ છે અને વિપક્ષી નેતાની કાર પરત ખેંચી પણ દંડક,શાસકપક્ષના નેતાઓની કાર પરત ખેંચવા વિચારાતુ નથી.
મેયર,ડેપ્યુટી મેયર,ચેરમેન, શાસક નેતા સહિત અનેક પદાધિકારીઓને પોતાનું કામ દેખાડવાના બદલે પોતાનો હોદ્દો દેખાડવામાં અને સગાસંબંધીઓ,મિત્રોના ઘરે આ કાર લઈને જઈને વટ પાડવામાં વધુ રસ વધુ હોય છે.આ કારણે આ નેતાઓની કાર ઉપર નંબરપ્લેટ કરતા મોટા અક્ષરે પોતાનો હોદ્દો લખવાનો શોખ જોવા મળે છે,અને મનપાના પદાધિકારીઓ તો વળી નંબર પ્લેટની ઉપર જ આ હોદ્દો બમણી સાઈઝના બોર્ડમાં લગાવી દે છે. આ માટે કાયદામાં કોઈ મંજુરીની જોગવાઈ નથી તેમ જાણવા મળ્યું છે પરંતુ, કાયદાની જોગવાઈઓ અંગે ખુદ કુલપતિ જેવા શિક્ષીતો પણ અજ્ઞાાન વ્યક્ત કરે છે ત્યારે રાજકોટના પોલીસ કમિશનર અને આર.ટી.ઓ. અધિકારીએ આ અંગે સૂચના જારી કરવાની જરૃર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહાપાલિકામાં અધિકારીઓ,પદાધિકારીઓ માટે કારનું રજીસ્ટ્રેશન થાય ત્યારે તે કમિશનરના નામ ઉપર થાય છે, આમ કારના ગેરઉપયોગ માટે કમિશનરની પણ જવાબદારી બને છે. આ કાર ખરીદાયા પછી તે ક્યા હેતુ માટે ક્યા અધિકારી કે પદાધિકારીને ફાળવાઈ તેનું નોટીંગ માત્ર ફાઈલમાં થાય છે પરંતુ, આર.ટી.ઓ.માં તે નોંધાતું નથી. નિયમ એવો છે કે એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર જેવા વાહનોમાં જ સાયરનની છૂટ હોય છે.
ઉલ્લેખનીય છે કે નેતાઓની આ સસ્તી પ્રસિધ્ધિના મોહને જોઈને જ વોર્ડ પ્રમુખથી માંડીને અન્ય હોદ્દેદારો અને કેટલાક આમ નાગરિકો પણ પોતાનો હોદ્દો કાર ઉપર લગાડે છે. મેયર કરતા જેની ઈમરજન્સી વધુ હોય છે તેવા ડોક્ટરના વાહન ઉપર ઓળખ આપતું રેડ ક્રોસ હોય છે જે એટલે જરૃરી મનાય છે કે રસ્તામાં કોઈ ઈમરજન્સી આવે તો ડોક્ટર સારવાર માટે ત્વરિત જઈ શકે. પોલીસની કારમાં સાયરન કે ઓરેન્જ લાઈટ એટલે હોય કે લોકો મદદ માંગી શકે અને કોઈ ગુનો અટકાવવા જતી પોલીસનો માર્ગ ક્લીયર કરી આપે.