Get The App

GMC સરકાર સહિત 2,860 મિલકતધારકો પાસેથી 147 કરોડનો વેરો વસૂલવા નોટિસો અપાશે

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Gandhinagar Municipal Corporation


Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે બાકી મિલકત ધારકો પાસેથી વેરા વસુલાતની ઝુંબેશને સઘન બનાવવામાં આવનાર છે. જે અંતર્ગત 50 હજાર કરતા વધુ રકમના બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારના વિવિધ વિભાગો સહિત 2,860 મિલકત ધારકો પાસેથી 147 કરોડનો વેરો વસૂલવા માટે નોટિસ આપવામાં આવનાર છે.

રૂ. 230.23 કરોડનો વેરો વસૂલવાનો બાકી નીકળે છે

ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2011માં રચના થઈ અને ત્યારબાદ વિવિધ મિલકતોનો સર્વે કરીને તેનો વેરો વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો હસ્તકની મિલકતોનો પણ સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકની મિલકતો આવી જાય છે ત્યારે અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને 96,591 જેટલી મિલકતો પાસેથી 230.23 કરોડ રૂપિયાનો વેરો વસૂલવાનો બાકી નીકળે છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, માગમાં 10 ટકાનો ઘટાડો કર્યો

કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે મિલકત વેરાની વસુલાત શરૂ

હાલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે મિલકત વેરાની વસુલાત શરૂ કરવામાં આવી હતી જેમાં 84.52 કરોડના માંગણામાંથી 57.25 કરોડની વસુલાત કરી દેવામાં આવી છે ત્યારે 50 હજાર કરતાં વધુ રકમના બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારના વિવિધ વિભાગો સહિત કુલ 2,860 જેટલા બાકીદારો પાસેથી 147 કરોડ રૂપિયાની રકમ વસૂલવા માટે નોટિસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

સૌથી વધુ મધ્ય ઝોનમાં 62.39 કરોડ સલવાયા

આગામી મહિનામાં આ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ નાણા ભરપાઈ નહીં કરવામાં આવે તો આખરી નોટીસ આપવામાં આવશે અને ત્યારબાદ મિલકત સીલ અને જપ્તી સુધીના પગલા પણ ભરવામાં આવશે. આ બાકીદારોમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 1230 મિલકતો પાસેથી 62.39 કરોડ જ્યારે ઉત્તર ઝોનમાં 470 મિલકતો પાસેથી 44.40 કરોડ અને દક્ષિણ ઝોનમાં 1160 મિલકતો પાસેથી 40.5 કરોડ રૂપિયા વસૂલવાના બાકી નીકળે છે.

આ પણ વાંચો: ધક્કા ખવડાવાતા AMCના ડે.મ્યુ.કમિ.ને હાજર થઇ હાઇકોર્ટની માફી માંગવી પડી

નવા સચિવાલય અને સ્વર્ણિમ સંકુલનો પણ વેરો ભરાતો નથી

ગાંધીનગરમાં સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય સહિત સરકારી રહેણાંક મકાનોનો મિલકત વેરો ભરવામાં આવતો નથી. ઘણા વર્ષોથી આ વેરો વસૂલવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ વિભાગ દ્વારા કોર્પોરેશન પાસે હજી કોઈ મહત્વની કામગીરી નહીં હોવાથી વેરો ભરવા માટે તૈયારી બતાવવામાં આવતી નથી. કેમકે ગાંધીનગરમાં રોડ અને ગટર વ્યવસ્થા સહિતની કામગીરી માર્ગ મકાન વિભાગના હસ્તક આવેલા પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

GMC સરકાર સહિત 2,860 મિલકતધારકો પાસેથી 147 કરોડનો વેરો વસૂલવા નોટિસો અપાશે 2 - image


Google NewsGoogle News