કુંભારવાડાના રહેણાંકી મકાનમાંથી 1460 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
- શહેરમાં ધમધમતા દેશી દારૂના હાટડા પર મધ્યરાત્રે એસએમસી ત્રાટકી
- સ્ટેટ મોનિટરિંગ સેલે રૂા. 3.43 લાખનો મુદ્દામાલ કબજે લઈ બોરતળાવ પોલીસ મથકમાં 7 સામે ગુનો દાખલ કરાવ્યો
શહેરના કુંભારવાડામાં રહેતા લિસ્ટેડ બુટલેગર જુબેદાબેન કાસમભાઈ શેખ તથા તેના ભાગીદાર રસુલ ઈસ્માઈલભાઈ ઘાંચી દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત મધ્યરાત્રિએ કુંભારવાડા નારીરોડ અવેડા સામે લીયાકતઅલી દરગાહ પાસે જુબેદાબેન શેખના રહેણાંકી મકાનમાં રેડ કરતા તેમના ઘરની બંધ ઓરડીમાં ૩૭ બાચકાઓમાં રૂ.૨.૭૨ લાખની કિંમતનો કુલ ૧૩૬૦ લીટર દેશી દારૂ સાથે જુબેદાબેન કાસમભાઈ શેખ અને રસુલ ઈસ્માઈલભાઈ ઘાંચી હાજર મળી આવ્યા હતા. તેમજ ઘરના અન્ય એક રૂમમાં પ્લાસ્ટીકની થેલીમાં દેશી દારૂ ભરતા ચાર શખ્સો યાકુબ કાસમભાઈ શેખ, મહેબુબ કાસમભાઈ શેખ, સોહિલ કાસમભાઈ શેખ અને સુરેશ સામંતભાઈ ચૌહાણને પકડી તે રૂમમાં તપાસ કરતા રૂમમાંથી રૂ.૨૦ હજારની કિંમતનો ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેમાંથી સોહિલ, યાકુબ અને મહેબુબ જુબેદાબેનના સંતાનો હોય અને તેમણે પુછપરછમાં જણાવ્યું હતું કે, તેમના મમ્મી રસુલભાઈ કોરડિયા સાથે ભાગીદારીમાં દારૂનો વેપાર કરતા હતા અને તેઓ ત્રણેય ભાઈઓ દિવસે તેમનું કામ કરી રાત્રે નવરા હોય અને અન્ય મજુર ન બોલાવવા પડે તે માટે દારૂ ભરવામાં તેમના મમ્મીને મદદ કરતા હોવાની કબૂલાત આપી હતી. જ્યારે ચોથો શખ્સ સુરેશ સામંતભાઈ ચૌહાણ છેલ્લા ૧૦ વર્ષથી અહીં દેશી દારૂ કોથળીમાં ભરવાનું કામ કરતો હોવાની કબુલાત આપી હતી. ઉપરાંત રસુલ કોરડિયાએ કબુલાત આપી હતી કે તેઓ ઘણાં વર્ષથી છૂટક દારૂનું વેચાણ કરે છે અને પહેલા તેઓ નડિયાદ બાજુથી દારૂ ભરીને લાવતા હતા પરંતુ હાલ છેલ્લા દોઢેક મહિનાથી ખેડૂતવાસ વિસ્તારમાંથી શંકર કોળી માઢીયા ગામેથી અલગ અલગ ભઠ્ઠીવાળા પાસેથી દારૂ આપી જતાં હોવાની કબુલાત આપી હતી. આ અંગે સ્ટેટ મોનિટરિં ગ સેલ દ્વારા યાકુબ કાસમભાઈ શેખ, સુરેશ સામંતભાઈ ચૌહાણ, રસુલ ઈસ્માઈલભાઈ શેખ, મહેબુબ કાસમભાઈ શેખ, સોહિલ કાસમભાઈ શેખ, જુબેદાબેન કાસમભાઈ શેખ અને શંકર સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધી ૧૪૬૦ લીટર દેશી દારૂ મળી કુલ રૂ.૩.૪૩ લાખનો મદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
લિસ્ટેડ બુટલેગર્સ સામે 60 થી વધારે ગુનો નોંધાયેલા છે
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આરોપી જુબેદાબેન કાસમભા શેખ તથા રસૂલ ઈસ્માઈલભાઈ કોરડિયા બોરતળાવ પોલીસ મથકના લિસ્ટેડ બુટલેગર્સ છે. જેમાં જુબેદાબેન સામે વર્ષ-૨૦૧૮થી ૨૦૨૪ દરમિયાન ૫૪થી વધારે ગુના અને રસલુ ઈસ્માઈલભાઈ કોરડિયા વિરૂદ્ધ ૯થી વધારે ગુનાઓ નોંધાયેલા છે.