વડોદરામાં વીજ વાયરોમાં પતંગ-દોરા ભરાવાથી ઠેર-ઠેર વીજળી ગુલ, બે દિવસમાં 1400 ફરિયાદો મળી
Vadodara MGVCL : ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પતંગ અને દોરા ફસાવાના કારણે વીજ લાઈનો ટ્રિપ થવાથી વડોદરા શહેરમાં ઠેર-ઠેર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉભી થઈ હતી. મળતી વિગતો પ્રમાણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસો અને સેન્ટ્રલ હેલ્પલાઈનને વીજ પુરવઠો બંધ થવાની 1400 જેટલી ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી મળી હતી.
દોરા અને પતંગોના કારણે વીજળી થઈ ગુલ
સૂત્રોનું કહેવું છે કે, સામાન્ય દિવસોમાં વીજ પુરવઠો બંધ થવાની રોજની સરેરાશ 300 જેટલી ફરિયાદો મધ્ય ગુજરાત વીજ કંપનીને શહેરમાથી મળતી હોય છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વડોદરામાંથી 1400 જેટલી એટલે કે રોજ કરતા બમણી ફરિયાદો વીજ કંપની પાસે આવી હતી. જેમાંથી મોટાભાગના કેસમાં દોરા અને પતંગો વીજ વાયરોમાં ભરાઈ જવાના કારણે લાઈનો ટ્રિપ થવાથી વીજ સપ્લાય બંધ થયો હતો.
અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલ નેટવર્કથી ફરિયાદો ઘટી
જોકે ઉત્તરાયણને અનુલક્ષીને વીજ કંપનીએ પણ પહેલેથી જ તકેદારી રાખીને વિવિધ વિસ્તારોના સબ ડિવિઝનમાં 46 ટીમો ઉપરાંત 15 ક્વિક રિસ્પોન્સ ટીમો તૈનાત રાખી હોવાથી મોટાભાગની ફરિયાદોનો ઝડપથી નિકાલ આવી ગયો હતો. વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરામાં અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલનું નેટવર્ક વધ્યું હોવાથી દોરા અને પતંગોના કારણે વીજ પુરવઠો બંધ થવાની ફરિયાદોમાં અગાઉના વર્ષો કરતા ખાસ્સો ઘટાડો થયો છે.