ઈન્સ્ટા પર વિધર્મી સાથે ચેટ કરતી 14 વર્ષની તરુણી માતા સાથે ઝઘડા બાદ ગૂમ
ભણવાને બદલે આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી ધો.9 માં ભણતી તરુણીને અઢી મહિના અગાઉ સ્કુલમાંથી એલ.સી.આપી દીધું હતું : તે સમયે માતાપિતાએ અવારનવાર પૂછતાં તરુણીએ કશું નહીં જણાવતા પિતાએ ઝાપટ મારતા સાથે ભણતા મીઠીખાડીના અલ્તાફ સાથે સંપર્કમાં હોવાની કબૂલાત કરી હતી
જોકે, પોલીસ તપાસમાં અલ્તાફ સુરતમાં જ મળ્યો : અન્ય યુવાન સાથે ક્યાંક ચાલી ગઈ હોવાની આશંકા
- ભણવાને બદલે આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી ધો.9 માં ભણતી તરુણીને અઢી મહિના અગાઉ સ્કુલમાંથી એલ.સી.આપી દીધું હતું : તે સમયે માતાપિતાએ અવારનવાર પૂછતાં તરુણીએ કશું નહીં જણાવતા પિતાએ ઝાપટ મારતા સાથે ભણતા મીઠીખાડીના અલ્તાફ સાથે સંપર્કમાં હોવાની કબૂલાત કરી હતી
- જોકે, પોલીસ તપાસમાં અલ્તાફ સુરતમાં જ મળ્યો : અન્ય યુવાન સાથે ક્યાંક ચાલી ગઈ હોવાની આશંકા
સુરત, : સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષની દીકરી ભણવાને બદલે આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહી ઈન્સ્ટાગ્રામ પર સાથે ભણતા વિધર્મી તરુણ સાથે સમય પસાર કરતી હતી.આથી તેને અઢી મહિના અગાઉ સ્કુલમાંથી એલ.સી.આપી દીધું હતું.તેમ છતાં તે તરુણ સાથે સંપર્કમાં રહેતી હોય પાંચ દિવસ અગાઉ તેનો માતા સાથે ઝઘડો થતા ક્યાંક ચાલી ગઈ હતી.આ અંગે માતાએ વિધર્મી તરુણ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પરંતુ પોલીસ તપાસમાં તે સુરતમાં જ મળતા તે અન્ય યુવાન સાથે ક્યાંક ચાલી ગઈ હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષીય પુત્રી સ્વીટી ( નામ બદલ્યું છે ) નીલગીરી વિસ્તારની એક સ્કુલમાં ધો.9 માં અભ્યાસ કરતી હતી.જોકે, સ્કુલે નહીં જતી અને જાય તો કોઈ પણ બહાનું કાઢી ચાલી જતી તેમજ જૂઠું બોલતી સ્વીટીની વર્તણુંક સારી ન હોવાથી તેના સરે અઢી મહિના અગાઉ તેના માતાપિતાને સ્કુલે બોલાવી દીકરીની વર્તણુંક સારી નથી કહી એલ.સી. આપી દીધું હતું.એલ.સી. લઈ ઘરે આવેલા માતાપિતાએ સ્વીટીને પૂછ્યું તો તેણે કશું જણાવ્યું નહોતું અને ઘર છોડીને ચાલી જવાની ધમકી આપી હતી.ત્યાર બાદ પણ તે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેતી હોય, ઈન્સ્ટાગ્રામ પર સતત કોઈની સાથે વાત કરતી હોય માતાપિતાએ તે મોબાઈલ ફોન મૂકીને જાય ત્યારે તે કોની સાથે વાત કરે છે તે જાણવા પ્રયાસ કર્યો હતો.પણ બંનેને અંગ્રેજી આવડતી ન હોય તેમને કશી જાણ થઈ નહોતી.
આથી પિતાએ સ્વીટીને બે ઝાપટ મારતા તેણે સાથે સ્કુલમાં અભ્યાસ કરતા લીંબાયત મીઠીખાડીના અલ્તાફ સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર વાત કરતી હોવાની કબૂલાત કરી હતી.ત્યાર બાદ પણ તે અલ્તાફ સાથે વાત કરતી હતી.દરમિયાન, ગત શનિવારે રાત્રે સ્વીટી સાથે ઝઘડો થતા તેની માતા સંબંધીને ત્યાં ચાલી ગઈ હતી.અડધો કલાક બાદ તેના પિતા માતાને તેડીને ઘરે પરત ફર્યા ત્યારે સ્વીટી ઘરમાં નહોતી.તેની શોધખોળ કરવા છતાં તે નહીં મળતા છેવટે ગતરોજ સ્વીટીની માતાએ અલ્તાફ તેને ભગાવી ગયો હોવાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી.જોકે, પોલીસ તપાસમાં અલ્તાફ સુરતમાં જ મળતા તે અન્ય યુવાન સાથે ક્યાંક ચાલી ગઈ હોવાની આશંકા છે.વધુ તપાસ પીએસઆઈ એચ.સી.મસાણી કરી રહ્યા છે.