Get The App

હરણીમાં હોનારતઃ વડોદરાના તળાવમાં ડૂબી ગયેલા મૃતકોના નામ આવ્યા સામે...

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
હરણીમાં હોનારતઃ વડોદરાના તળાવમાં ડૂબી ગયેલા મૃતકોના નામ આવ્યા સામે... 1 - image


Vadodara Boat Accident: વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી જવાની ઘટનામાં કુલ 14 મોત થયા છે, જેમાં 12 વિદ્યાર્થી અને બે શિક્ષક હોવાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓની ઓળખ થઈ રહી છે. અત્યાર સુધી આટલા નામ સામે આવ્યા છે. 

મૃતક વિદ્યાર્થીઓ

સકીના શેખ

મુઆવજા શેખ

આયત મન્સૂરી

અયાન મોહમ્મદ ગાંધી

રેહાન ખલીફા

વિશ્વા નિઝામ

જુહાબિયા સુબેદાર

આયેશા ખલીફા 

નેન્સી માછી

હેત્વી શાહ 

રોશની સૂરવે 

મૃતક શિક્ષિકાઓ 

છાયા પટેલ

ફાલ્ગુની સુરતી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું 

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X' પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’

સદોષ માનવવધનો ગુનો દાખલ કરોઃ કોંગ્રેસ

આ મામલે વડોદરાના વિપક્ષના નેતા અમી રાવતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ પહેલા પણ સૂરસાગર તળાવમાં આવી ઘટના બની હતી. આવી ઘટનાઓમાંથી શીખ લેવાની જરૂર છે. તમામ વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો કે તેઓ લાઈફ જેકેટ વિના જ હોડીમાં બેસાડી દેવાયા હતા.’

આ ઉપરાંત હોડીમાં ક્ષમતાથી વધુ લોકોને બેસાડવા મામલે તેમણે કહ્યું હતું કે ‘આ ગંભીર દુર્ઘટના નહીં પણ ગંભીર બેદરકારી છે અને તે બદલ સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.’

ક્ષમતા કરતા વધુને હોડીમાં બેસાડ્યાનો આરોપ

આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’ 

જવાબદારો સામે પગલાં ભરાશે

આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ‘હોડી પલટી ગયાની જાણકારી મેળવાઈ રહી છે. આ બનાવ કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ તપાસ પછી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે.’


Google NewsGoogle News