84 પાનની બૂકલેટમાં પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવના 134 જેટલા ફોટોગ્રાફ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપનારા ડો.શ્રીવાસ્તવે તાજેતરમાં યોજાયેલા કોન્વોકેશનમાં એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણીની જાણકારી આપતી એક બૂકલેટ લોન્ચ કરી હતી.જેમાં પણ લગભગ દરેક પાન પર ડો.શ્રીવાસ્તવના જ ફોટોગ્રાફ દેખાઈ રહ્યા છે.ફોટોપ્રેમી ડો.શ્રીવાસ્તવે યુનિવર્સિટી કરતા પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે આ બૂકલેટ છપાવી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી કા અમૃત મહોત્સવ નામની આ બૂકલેટમાં ૮૪ કલર પેજ છે.જેમાં યુનિવર્સિટીમાં સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોનો ઉલ્લેખ છે.જોકે ૮૪ પાનની બૂકલેટમાં ડો.શ્રીવાસ્તવના ૧૩૪ જેટલા ફોટોગ્રાફ છે.મોટાભાગના પેજ પર ડો.શ્રીવાસ્તવ દેખાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.કેટલાક પાના પર તો ડો.શ્રીવાસ્તવના ત્રણ થી ચાર ફોટોગ્રાફ જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે યુનિવર્સિટીના કેલેન્ડરમાં પણ આ જ રીતે દરેક પાના પર ડો.શ્રીવાસ્તવના ફોટોગ્રાફ હતા અને તેને લઈને ભારે ઉહાપોહ પણ થયો હતો.કારણકે અગાઉના કોઈ વાઈસ ચાન્સેલરે પોતાના જ ફોટોગ્રાફ છપાય તેવો આગ્રહ ક્યારેય રાખ્યો નહોતો.જોકે, વાઈસ ચાન્સલેર બન્યા બાદ ડો.શ્રીવાસ્તવે તો યુનિવર્સિટીમાં યોજાતા કોઈ પણ સેમિનાર, વર્કશોપ કે બીજા કોઈ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા પર પોતાનો ફોટો અવશ્ય હોવો જોઈએ તેવો આદેશ આપ્યો હતો.પોતાના કાર્યકાળમાં સ્વપ્રશસ્તિનો એક પણ મોકો તેમણે જવા દીધો નહોતો.