Get The App

લેન્ડ ગ્રેબીંગ એક્ટના અમલ બાદ સુરતમાં ચાર વર્ષમાં 132 પોલીસ ફરિયાદ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News

લેન્ડ ગ્રેબીંગ એક્ટના અમલ બાદ સુરતમાં ચાર વર્ષમાં 132 પોલીસ ફરિયાદ 1 - image


- સુરત શહેરમાં 17 ફરિયાદમાં 29 આરોપીઓમાંથી 23 પકડાયા છે


- ત્રણ મહિનામાં 244 અરજી થતા 72 લેન્ડ ગ્રેબરોએ કબજો છોડયો, 26 સામે ફોજદારી : 152 કરોડની સંપત્તિ મૂળ માલિકને પરત મળશે

                સુરત

લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ છેલ્લા ત્રણ મહિનામાં આવેલી ૨૪૪ અરજીઓમાંથી ૨૬માં ફોજદારી ગુનો દાખલ કરવાની સાથે જ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ થતા જ સુરત જિલ્લામાં ૭૨ લેન્ડ ગ્રેબરોએ જમીન, ફલેટ, દુકાન, પ્લોટ, મકાનનો કબ્જો છોડી દીધો હતો.છેલ્લા ત્રણ મહિનામાં સુરત જિલ્લામાં અંદાજે રૃા.૧૫૨ કરોડની સંપતિ મુળ માલિકને પરત આપવામાં આવશે.કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ૧૩૨ પો.ફરિયાદ,ફરિયાદ થતા ૧૧૪ માં કબ્જો છોડી દીધો હતો.

જમીન, મકાન, દુકાન, ફલેટ કે પ્લોટ પચાવી પાડયાની ઉઠતી ફરિયાદોમાં લેન્ડગ્રેબરો સામે કાર્યવાહી કરવા માટે રાજય સરકારે સને-૨૦૨૦ માં લેન્ડગ્રેબીગ એકટ પસાર કર્યો હતો. આ એકટ હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજાની જોગવાઇ છે. આ સાથે એક કમિટી બનાવાઇ છે.  આ લેન્ડ ગ્રેબીંગ એકટ સમિતિ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં કેસોના કરાયેલા નિકાલને લઇને સુરત જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી, સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસર દ્વારા સંયુકત પ્રેસ કોન્ફરન્સ બોલાવીને માહિતી આપી હતી કે આ કમિટી સમક્ષ છેલ્લા ત્રણ મહિનામાં ૨૪૪ અરજીઓ આવી હતી. જેમાં સુરત શહેરમાં ૧૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૯ મળીને કુલ ૨૬ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરાયો હતો. આ ઉપરાંત લેન્ડગ્રેંબીગની ફરિયાદ થયા બાદ તપાસ દરમ્યાન શહેરમાં ૨૯ તથા જિલ્લામાં ૪૩ મળીને કુલ ૭૨ ગેરકાયદે કબ્જાધારકો દ્વારા જમીન મિલ્કતના કબ્જાઓ ભયભીત થઇને પરત સોંપી દીધા હતા. શહેરમાં કુલ ૧૭ ફરિયાદોમાંથી ૨૯ આરોપીઓ પૈકી ૨૩ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.૨૦૨૦ માં કાયદો આવ્યા પછી ચાર વર્ષમાં કુલ ૧૩૨ પોલીસ ફરિયાદ, ૧૧૪ કબ્જો છોડયો છે. તો ૧૨૦૦ કેસો દફતરે કર્યા હતા. 

જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ કે ત્રણ મહિના દરમ્યાન ૨૩૨ અરજીઓનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.જયારે ૧૨ અરજીઓ સમિતિ દ્વારા પુનઃ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે પોલીસ ફરિયાદ દાખલ થતા સુરત જિલ્લામાં રૃા.૨૫ કરોડની તથા જિલ્લામાં સાત કરોડ મળીને કુલ ૩૨ કરોડની મિલ્કતો પરત સોંપવાની નિયમોનુંસાર કાર્યવાહી થઇ રહી છે. આ ઉપરાંત ૭૨ કેસમાં ગેરકાયદે કબ્જો છોડવાના કેસમાં રૃા.૧૨૦ કરોડ મળીને આ બન્ને થઇને અંદાજિત રૃા.૧૫૨ કરોડની સંપતિ મુળ માલિકોને પરત આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જે બતાવે છે કે આ કાયદોનો મુખ્ય ઉદેશ્ય સિદ્વ થાય છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત ઓફિસર વિક્રમ ભંડારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અવારનવાર જમીન પચાવી પાડનારા તત્વો સામે ઇ.ડી, ઇન્કમટેકસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી થશે

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ હતુ કે જમીન મિલ્કત પચાવી પાડનારા તત્વો સામે કમિટિ સખ્ત કાર્યવાહી કરશે. આથી ભૂમાફિયાઓ વિરુદ્ર પોલીસ ફરિયાદ નોંધાવા પીડીત નાગરિકો આગળ આવે. તમામ ગુનાઓની તપાસ એ.સી.પી, તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. સુરતની લેન્ડ કમિટી દર મહિને બે વાર બેઠક યોજે છે. અમારી સામે અવારનવાર જમીન પચાવી પાડવાની ટેવ ધરાવનારા અસામાજિક તત્વોની ફરિયાદો આવશે તો ઇડી, ઇન્કમટેકસની પણ તપાસ કરાવવાની દિશામાં પોલીસતંત્ર આગળ વધી રહ્યુ છે.

સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ

હજીરામાં ૩, અઠવામાં ૨, અડાજણમાં બે, કાપોદ્વા, સરથાણા, સલાબતપુરા, ડીંડોલી, ઉમરા, ખટોદરા, પાંડેસરા, સચીન, રાંદેર, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક એક પોલીસ ફરિયાદ છેલ્લા ત્રણ મહિનામાં દાખલ થઇ છે.

કાયદો અમલમાં આવ્યા બાદ ૨૦૨૦ થી કેસ

કુલ કેસો    પોલીસ       કબ્જો છોડનારની  દફતરે કરેલા  નિકાલ

        

૧૬૦૦        ૧૩૨     ૧૧૪         ૯૫૪           ૧૨૦૦


Google NewsGoogle News