Get The App

બાંગ્લાદેશના બળવાથી અમદાવાદ-સુરતનો 1300 કરોડનો વેપાર અટવાયો, સ્થિતિ લાંબી ખેંચાય તો મોટા નુકસાનની આશંકા

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશના બળવાથી અમદાવાદ-સુરતનો 1300 કરોડનો વેપાર અટવાયો, સ્થિતિ લાંબી ખેંચાય તો મોટા નુકસાનની આશંકા 1 - image


Bangladesh Crisis: અનામતની આગથી દાઝેલા બાંગલાદેશના વડાંપ્રધાન શેખ હસીના વાજેદ દેશ છોડીને ભાગ્યા તેતી નિર્માણ થયેલી રાજકીય અસ્થિરતાને પરિણામે અમદાવાદના નરોડા, વટવા અને ઓઢવથી બાંગલાદેશના પ્રોસેસિંગ ઉદ્યોગને રિએક્ટિવ ડાઈઝ સપ્લાય કરનારાઓના અંદાજે રૂ. 800થી 1000 કરોડ ફસાઈ ગયા છે. આ માહિતી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ દીપક પટેલે આપી છે. 

બાંગલાદેશની રાજકીય અસ્થિરતાને પરિણામે પેમેન્ટ અટવાયા

આ અંગે કેમેક્સિલના અમદાવાદ ક્ષેત્રના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે પણ માહિતી આપી હતી. તેમના મતે, ફેબ્રિક્સને પ્રોસેસ કરીને તેને અવનવા કલર આપવા માટે રિએક્ટિવ ડાઈઝની બાંગલાદેશમાં મોટે પાયે નિકાસ કરવામાં આવે છે. દેશમાંથી કુલ કેમિકલની થતી નિકાસના દસથી 12 ટકા જેટલી નિકાસ એકલી બાંગલાદેશમાં કરવામાં આવી રહી છે. આ નિકાસ કરનારાઓના માલ ફસાયા છે. બારતમાંથી બાંગલાદેશમાં રિએક્ટિવ ડાઈઝની થતી નિકાસ અંદાજે રૂ.2500 કરોડથી વધારેની હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે 90 દિવસની એલ.સી. પર પેમેન્ટ આવી જતું હોય છે. પરંતુ બાંગલાદેશની રાજકીય અસ્થિરતાને પરિણામે પેમેન્ટ અટવાયા છે. ઘણાંના કન્સાઈનમેન્ટ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા છે. કેટલાકના કન્સાઈનમેન્ટ ભારત અને બાંગલાદેશની જોડતી સહદર પર પડેલા છે. આમ પેમેન્ટ ઉપરાંત ઓન રૂટ માલ પણ ખાસ્સો અટવાયેલો પડ્યો છે.

આ પણ વાંચો : શેખ હસીનાની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા, વાંચો અપડેટ્સ

હાલની સ્થિતિ ટૂંક સમયમાં શાંત પડી જવાની સંભાવના

કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી રાજકીય અસ્થિરતાને પરિણામે અહીંના સપ્લાયર્ને આર્થિક ફટકો ન પડે તે અંગે ચર્ચા કરવા માટે બાંગલાદેશના ટેક્સ્ટાઈલના સાહસિકોના એસોસિયેશનો સંપર્ક કરીને રાજકીય સ્થિતિનો અંદાજ માંગ્યો છે. તેમ જ ભારતના એક્ટિવ ડાઈઝના સપ્લાયર્સના નાણાંની સ્થિતિ શી છે તે અંગે પૂછપરછ પણ કરી હતી. બાંગલાદેશના ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું છે કે તેમને ત્યાં સર્જાયેસી સ્થિતિ ટૂંક સમયમાં શાંત પડી જવાની સંભાવના છે. આ અસ્થિરતા શાંત પડી જતાં રાબેતા મુજબનો વેપાર અને આર્થિક વહેવાર ચાલુ થઇ જશે.

બાંગ્લાદેશ સાથે સુરતનો 500 કરોડનો વેપાર, તોફાનોને લીધે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉચાટ

બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા હિંસક તોફાનો અને રાજકીય અરાજકતાને પગલે બાંગ્લાદેશ સાથે સીધો 500 કરોડનો વેપાર ધરાવતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાયા છે. જો કે ઉદ્યોગકારોના મતે હાલમાં કોઇ પણ રીતે વેપારને અસર થઇ નથી પરંતુ જો આવી સ્થિતી લાંબો સમય રહેશે તો ચૌક્કસપણે તેની અસર જોવા મળશે. અનામત મુદ્દે ફાટી નીકળેલી હિંસાના પગલે બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજકતાને પગલે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાયા છે. હિન્દુ મંદિરોની તોડફોડ તથા હિન્દુ નેતાની હત્યા સહિત ઠેરઠેર આગચંપી સહિત હિંસક ઘટના ઉપર નિયંત્રણ મેળવવા સૈન્ય દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ હિંસક તોફાનો કયારે અટકે અને બાંગ્લાદેશમાં સર્જાયેલી રાજકીય અરાજકતાનો કયારે અંત આવશે તે અંગે કહેવું અશક્ય છે. તેવા સંજોગોમાં સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર તેની અસર જોવા મળે તો નવાઇ નહીં.

આ પણ વાંચો : ઢાકામાં ફસાયેલા ગુજરાતીઓએ કહ્યું- ટોળાના હુમલાથી અનેક લોકોમાં ભયનો માહોલ, વિમાન ભાડું વધ્યું

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હજી કોઇ અસર થઇ નથી

આ અંગે ફોસ્ટા પ્રમુખ કૈલાશ હાકીમ જણાવે છે કે સુરતથી બાંગ્લાદેશ સાથે વર્ષે 500 કરોડનો વેપાર થાય છે. વાયા કલકત્તા, ચેન્નાઇ અને મુંબઇ થઇ આરએફડી, પ્રિન્ટેડ અને ડાઇડ ગારમેન્ટ ફેબ્રીક અને સ્ટીચ ગારમેન્ટ એક્સપોર્ટ થાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે બાંગ્લાદેશ વિશ્વમાં ત્રીજા નંબરે છે અને વેપારની દ્વષ્ટિએ સીધી રીતે સુરત સાથે ક્નેકશન છે. જો કે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાની હાલમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હજી કોઇ અસર થઇ નથી. પરંતુ જો આ હિંસા લાંબા સમય સુધી ચાલશે તો તેની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને થશે. ઉલ્લેખનીય છે કે પેમેન્ટ સાઇકલ 120 દિવસની છે અને બાંગ્લાદેશના તહેવારની ઉજવણીની દ્રષ્ટિએ જે ઓર્ડર મળવા જોઇએ તે મળશે કે નહીં તે પણ હિંસક સ્થિતી કયારે નિયંત્રણમાં આવે તેની ઉપર છે. 

આ પણ વાંચો : 'જેવું બાંગ્લાદેશમાં થયું તેવું ભારતમાં પણ થઈ શકે..' કદાવર કોંગ્રેસી નેતાના નિવેદને ટેન્શન વધાર્યું

તો 500 કરોડના વેપારને અસર થશે

આ વિશે વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે હિંસક તોફાનો જો નિયંત્રણમાં નહીં આવે તો બાંગ્લાદેશ સાથેના સીધા 500 કરોડના વેપારને અસર થશે. પરંતુ ટેક્સટાઇલ ક્ષેત્રે બાંગ્લાદેશ વિશ્વમાં ત્રીજા નંબર છે તેની ઉપર પણ અસર થશે અને તેનો સીધો લાભ ભારતને અને તેમાં પણ ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મળશે.

બાંગ્લાદેશના બળવાથી અમદાવાદ-સુરતનો 1300 કરોડનો વેપાર અટવાયો, સ્થિતિ લાંબી ખેંચાય તો મોટા નુકસાનની આશંકા 2 - image


Google NewsGoogle News