ચોર્યાસી ડેરીને બચાવવા કર્મચારીઓની છટણી કરીને 125 કરોડની જમીન વેચાશે
- જનરલ સભામાં આ બન્ને ઠરાવો રજુ થતા સર્વાનુંમતે મંજુરી : ડેરીનો માસિક ખર્ચે રૃા.35 લાખ તેમાં 232 કર્મચારીઓનો રૃા.17 લાખ પગાર
સુરત
ચોર્યાસી ડેરીની આજે મળેલી જનરલ સભામાં ડેરીને ચલાવવા માટે કર્મચારીઓને રિટાયર કરવાની સાથે ડેરીના ડુંભાલમાં આવેલ ૧૨૫ કરોડથી વધુ કિંમતના પ્લાન્ટને અન્યત્ર ખસેડવા માટેના પ્રમુખ પદેથી થયેલા ઠરાવને સર્વાનુંમતે મંજુરી મળતા આગામી દિવસોમાં કાર્યવાહી શરૃ થશે.
સુરતની વર્ષો જુની ચોર્યાસી ડેરી હવે ડાલમડોળ થઇ રહી છે. જેની આજે ડેરીના પ્રમુખ નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને જનરલ સભામાં મહત્વના ઠરાવો પણ ચર્ચા વિચારણા થઇ હતી.જેમાં પ્રમુખ પદેથી થયેલા વાતોમાં તેમણે સભાને જણાવ્યુ હતુ કે હાલ ચોર્યાસી ડેરીમાં ૨૨૨ જ સભાસદો છે. અને તેની સામે ૨૩૨ કર્મચારીઓ છે. દર મહિને ડેરીનો ૩૫ લાખનો ખર્ચ છે. જેમાંથી ૧૭ લાખ તો કર્મચારીના પગાર પાછળ જ ખર્ચાઇ જાય છે. આથી મહેકમ ઓછુ કરવા સભામાં જણાવ્યુ હતુ. સાથે જ ડેરીનો ડુંભાલમાં આવેલ પ્લાન્ટ રહેણાંક વિસ્તારમાં આવ્યો છે.જયાં એકાદ વખત એમોનિયા ગેસ લિકેજ થયો હતો. આ પ્લાન્ટ રહેણાંક વિસ્તારમાં હોવાથી અન્યત્ર ખસેડવાની જરૃર છે. આથી આજની જનરલ સભામાં ડુંભાલની જમીન અને સંસ્થાને આર્થિક ભારણ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી તથા ખર્ચની મર્યાદા ઘટાડવા માટે થયેલા ઠરાવને જનરલ સભામાં સર્વાનુંમતે મંજુર કરાતા આગામી દિવસોમાં આ ઠરાવ પર કાર્યવાહી થશે.