વડોદરામાંથી કુંભમેળા માટે લકઝરી બસોની જ 1200 જેટલી ટ્રિપો
વડોદરાઃ પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભના કારણે શહેરના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસમાં અસાધારણ અને અણધારી તેજી જોવા મળી રહી છે.હજારો વડોદરાવાસીઓ કુંભ મેળામાં પવિત્ર સ્નાન કરી ચૂકયા છે અથવા કરવા માટે આતુર છે.
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોનું કહેવું છે કે, અત્યારે તો તમામ પૂછપરછ પ્રયાગરાજના કુંભ મેળામાં જવા માટે જ ચાલી રહી છે.તેમાં પણ ફ્લાઈટોના ભાડા તો આસમાનને આંબી રહ્યા છે.રેલવેની ટિકિટોમાં વેઈટિંગ જ દેખાઈ રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો ખાનગી વાહનો કે પછી લકઝરી બસોનો સહારો લઈ રહ્યા છે.
કુંભ મેળો તા.૨૬ ફેબુ્રઆરી સુધી ચાલવાનો છે અને લોકોમાં કુંભ મેળામાં જવા માટેનો ઉત્સાહ જોઈને વડોદરા શહેરમાંથી ૩૦૦ જેટલી લકઝરી બસો માત્ર કુંભ મેળાની ટ્રિપ માટે જ ટ્રાવેલ્સ કંપનીઓએ ફાળવી દીધી છે.એવુ અનુમાન છે કે, તા.૨૬ ફેબુ્રઆરી સુધીમાં આ ૩૦૦ બસોની ૧૨૦૦ જેટલી ટ્રિપો માત્ર કુંભ મેળવા માટે યોજાશે.એક લકઝરી બસમાં સરેરાશ ૫૦ મુસાફરોની ગણતરી કરવામાં આવે તો પણ માત્ર લકઝરી બસો થકી કુંભ મેળામાં જનારા વડોદરાવાસીઓની સંખ્યા ૬૦૦૦૦ જેટલી થવા જાય છે.કુંભ મેળા માટે વ્યક્તિ દીઠ ૮૦૦૦ થી ૧૦૦૦૦ રુપિયાનું પેકેજ ઓફર કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત ખાનગી વાહનો લઈને જનારા લોકોની સંખ્યાનો અંદાજ બાંધવો મુશ્કેલ છે પરંતુ આ આંકડો પણ હજારોમાં તો છે જ.
સૂત્રોનું કહેવું છે કે, પ્રયાગરાજમાં તો ગેસ્ટ હાઉસથી માંડીને ધર્મશાળાઓ પણ હાઉસફુલ છે અને તેના કારણે લકઝરી બસોમાં જતા મુસાફરોનું રોકાણ ચિત્રકૂટ, બનારસ, ખજૂરાહો જેવા સ્થળોએ કરવામાં આવી રહ્યું છે.જ્યાંથી એક દિવસમાં પ્રયાગરાજ જઈને પાછા આવી શકાય છે.
ભાગદોડની ઘટનામાં ભાવિકોના મોત બાદ
વડોદરાથી ગયેલા યાત્રાળુઓના પરિવારજનોમાં ચિંતા પ્રસરી
ભાગદોડના સ્થળ પર હાજર યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી આગેવાને કહ્યું કે, થોડા કલાકોમાં જ સ્થિતિ રાબેતા મુજબ થઈ ગઈ
કુંભમેળામાં મંગળવારની મધરાતે થયેલી ભાગદોડમાં ૩૦ શ્રધ્ધાળુઓના મોત થયા છે.આજે વહેલી સવારથી ભાગદોડની વિગતો સપાટી પર આવ્યા બાદ વડોદરાથી મહાકુંભમાં ગયેલા વડોદરાના ભાવિકોના પરિવારજનોમાં પણ ચિંતા જોવા મળી હતી.લોકોએ ફોન કરીને પ્રયાગરાજ ગયેલા પોતાના સ્વજનોના ખબર અંતર પૂછી લીધા હતા.ભાગદોડના થોડા કલાકો બાદ આ જ સ્થળ પર પહોંચેલા વડોદરાના રહેવાસી તેમજ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી આગેવાન સ્મિત ઠક્કુરે કહ્યું હતું કે, પ્રયાગરાજમાં યાત્રિકોને ધ્યાનમાં રાખીને ૨૬ સેકટર બનાવાયા છે અને દરેક સેકટરમાં ગંગા કિનારા પર સ્નાન કરવાની સગવડ હોવાથી ભાગદોડની ઘટનાની અસર અન્ય હિસ્સાઓમાં દેખાઈ નથી રહી.લોકો રાબેતા મુજબ જ સ્નાન કરી રહ્યા છે અને બપોરે તો ઉલટાનું અપેક્ષા કરતા ઓછી ભીડ જોવા મળી રહી છે.લોકોમાં ભાગદોડની ઘટના અને તેના કારણે થયેલા મોતની ચર્ચા છે પરંતુ તેના કારણે પ્રયાગરાજમાં જન જીવન પર અસર દેખાઈ રહી નથી.વ્યવસ્થા એકંદરે સારી છે અને લાખો-કરોડો લોકો આવી રહ્યા હોવા છતા તમામને આરામથી સ્નાન કરવાનો મોકો મળી રહ્યો છે.ટ્રાફિક પર પ્રતિબંધ હોવાથી લોકોને સ્નાન માટે લોકોને સાત આઠ કિલોમીટર સુધી ચાલવાની તૈયારી રાખવી પડે છે.
વડોદરાથી પ્રયાગરાજની ફ્લાઈટની ટિકિટ સરેરાશ ૪૦૦૦૦ની
ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પૂર્વ પ્રમુખ જાગૃત ઠકકરનું કહેવું છે કે, જ્યાં સુધી કુંભ મેળો ચાલવાનો છે ત્યાં સુધી વડોદરાથી વાયા દિલ્હી થઈને પ્રયાગરાજની ફ્લાઈટની ટિકિટ સરેરાશ ૪૦૦૦૦ રુપિયાની છે અને તે પણ દિલ્હીથી પ્રયાગરાજની ફલાઈટ માટે ચાર થી પાંચ કલાકની રાહ જોવી પડે તેમ છે.લોકો પ્રયાગરાજથી નજીકના લખનૌ જેવા શહેરોમાં પણ રોકાઈને કુંભ મેળાની મુલાકાત લઈ રહ્યા હોવાથી લખનૌની ફ્લાઈટોના ભાવમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે.
રેલેવેમાં ૨૦૦ થી ૨૫૦નું વેઈટિંગ
રેલેવની ટિકિટો માટે પણ મારામારી છે અને હવે તો લોકોએ જ્યાં સુધી કુંભ મેળો ચાલવાનો છે ત્યાં સુધી કન્ફર્મ ટિકિટ મળે તેવી આશા પણ છોડી દીધી છે.વડોદરા ટ્રાવેલ એજન્ટસ એસોસિએશનના પ્રમુખ મનિષ પટેલના કહેવા અનુસાર રેલવેની ટિકિટોમાં ૨૫૦ સુધીનું વેઈટિગ છે. વડોદરાથી જતી ફ્લાઈટોની ટિકિટોના ભાવ આંખો પહોળી કરી નાંખે તેવા છે.વડોદરાથી પ્રયાગરાજ માટે વાયા દિલ્હી થઈને ફ્લાઈટ લેવાની હોવાથી વડોદરાથી દિલ્હી જતી ફ્લાઈટોના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
કન્ફર્મ ટિકિટ હોય તો પણ ટ્રેનના ડબ્બામાં પ્રવેશ મળવાની ગેરંટી નથી
રેલવેની ટિકિટ કન્ફર્મ હોય તો પણ હવે તો જગ્યા મેળવવામાં તકલીફ પડી રહી છે.જેના કારણે પણ લોકો લકઝરી બસો તરફ વળ્યા છે.વડોદરા ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિવાનભાઈ કહે છે કે, વડોદરાના એક પરિવાર પાસે કન્ફર્મ ટિકિટ હતી અને તેમને છાયાપુરી સ્ટેશનથી ટ્રેનમાં બેસવાનું હતું પણ તેમને કોચમાં પ્રવેશવાનો મોકો જ મળ્યો નહોતો.પરિવારના એક સભ્ય બેઠા અને બાકીના સભ્યો પ્લેટફોર્મ પર રહી ગયા હતા અને ટ્રેન ઉપડી ગઈ હતી.ટ્રેનમાં બેઠેલા સભ્યને ગોધરા ઉતરીને વડોદરા પાછા આવવું પડયું હતું.