પાલિતાણાની શાળાના બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, 120 બાળકોએ આરોગ્યું હતું ભોજન
Food Poisoning in Palitana: પાલિતાણાના જામવાળી ગામે આવેલી શાળામાં બાળકો માટે ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ભોજન કર્યા બાદ મોડી રાત્રે મોટી સંખ્યામાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. એકસાથે 23 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્યની જામવાળી ગામે દોડતી થઇ હતી. જોકે એકપણ બાળકને ગંભીર અસર ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં તમામ બાળકોની સ્થિતિ સામાન્ય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણાના જામવાળી શાળામાં એક બાળકનો જન્મ દિવસ હતો. તે નિમિત્તે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને પુરી-શાક અને લાડવાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજન બહારથી મંગાવવામાં આવ્યું હતું. શાળાના 120 બાળકોએ આ ભોજન આરોગ્યું હતું, ત્યારબાદ મોડીરાત્રે 23 જેટલા બાળકોને ફૂડ પોઇઝનીંગની અસર જોવા મળી હતી.
જામવાળી શાળાના બાળકોને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હોવાના સમાચાર મળતાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ગઇ હતી અને તાત્કાલિક સાવરવાર શરૂ કરી દીધી હતી. જોકે એકપણ બાળકને ગંભીર અસર થઇ ન હતી. 2-3 બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી, જ્યારે અન્ય બાળકોને સામાન્ય અસર હતી. હાલમાં તમામ બાળકો સ્વસ્થ્ય છે.
સુરેન્દ્રનગરમાં બટુક ભોજન પછી 30થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના કુંતલપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સોમવારે (14 ઓક્ટોબર) ગામમાં આવેલા કાતરોડી માતાજીના મંદિરે બટુક ભોજન માટે ગયા હતાં. જ્યાંથી પરત શાળાએ ફરતા 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તબિયત લથડી હતી.
તમામ બાળકોને ગામના આરોગ્ય કેન્દ્ર અને બાદમાં મૂળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકોએ બટુક ભોજનમાં કઈ વસ્તુ ખાધા બાદ તેની અસર થઈ છે તે અંગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.