'મમ્મી મને માફ કરજે મારાથી ભૂલથી મોબાઇલ પડી ગયો', સુરતમાં 12 વર્ષની બાળકીનો આપઘાત
Surat News: સુરતના કતારગામમાં રહેતા દંપતીની 12 વર્ષની દીકરીથી મોબાઈલ ભૂલથી પાણી ભરેલી ડોલમાં પડી જતા ડરી જઈને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાળકીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'મમ્મી મને માફ કરી દેજો, મારાથી ભૂલથી મોબાઈલ ફોન પડી ગયો હતો.'
બાળકીએ દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો
મળતી માહિતી અનુસાર, કતારગામ રોડ પર જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષીય જૈનીસા કપિલ ધુધલ રવિવારે સાંજે તેની માતા કામ અર્થે બહાર ગઈ હતી અને તેમના પિતા પણ ઘરે ન હતા. આ દરમિયાન તેણે એક રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો. તેની નાની બહેનની નજર પડતા ગભરાઈ જઈને બુમો પાડતા પડોશી દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં તેણે દમ તોડી દીધો હતો.
બાદમાં પોલીસને જાણ કરતા ત્યાં આવીને તેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે કહ્યું કે, જૈનીસાએ સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, 'મમ્મી મને માફ કરી દેજો, મારાથી ભુલથી મોબાઈલ ફોન પડી ગયો, તું મને માફ કરી દેજો, હું ફાંસો ખાઉં છું, હું મારી જાવ તો રડતી નહીં, મારા ભાઈ કાન્નો અને નાની બહેન નું ધ્યાન રાખજે.'
આ પણ વાંચો: ભયંકર હિંસા બાદ નાગપુરના વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ
પોલીસના જણાવ્યાનુસાર, પાણીની ડોલમાં મોબાઈલ પડી જતા ગભરાઈ જવાથી ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યું હતું. પરિવારમાં એક પુત્રી અને પુત્ર છે. કપિલભાઈ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે. માતા પણ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. બાળકીના મોતને લીધે પરિવારમાં ગમગની છવાઈ ગઈ હતી.