Get The App

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચેના ગોઝારા અકસ્માતમાં 12 વર્ષની બાળકીનું મોત

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચેના ગોઝારા અકસ્માતમાં 12 વર્ષની બાળકીનું મોત 1 - image


Jamnagar Accident : જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને 12 વર્ષની બાળકીનું મોત થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીનો પરિવાર રાજકોટથી દર્શનાર્થે ધ્રોળ તરફ આવતો હતો, જે દરમિયાન મોડપર ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચેના અકસ્માતમાં 12 વર્ષની બાળકી મૃત્યુ પામી છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે.

 આ ગોઝારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં નગરપાલિકામાં નોકરી કરતા નીરવભાઈ નવનીતભાઈ દવેના પરિવારના સાત સભ્યો ગઈ કાલે રવિવારની રજાના દિવસે સવારે રાજકોટથી નીકળીને ખોડાપીપર ગામ નજીક આવેલા માતાજીના દર્શને નીકળ્યા હતા.

 તેઓ રાજકોટમાંથી જીજે-03 એલ.આર. 7310 નંબરની ઇકો કારમાં બેસીને નીકળ્યા હતા. જે કારમાં નીરવભાઈના પત્ની તેમજ તેઓની બે પુત્રીઓ હેતવી (ઉંમર વર્ષ 12) અને રાશિ (ઉં. વ. પોણા ચાર વર્ષ) ઉપરાંત પત્નીના ભાઈ ભાભી અને સાસુ સસરા કે જેઓ ખોડાપીપર ગામ પાસે આવેલા માતાજીના દર્શનાર્થે નીકળ્યા હતા.

 જેઓની ઇકો કાર જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક મોડપર ગામના પાટીયા પાસે પહોંચતાં પાછળથી આવી રહેલી જી.જે. 14 એ.ટી. 0650 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે એક સાઇડથી ઇકો કારને ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં ઇકો કારનું એક સાઇડનું પડખું ચિરાઈ ગયું હતું, અને તે સાઈડમાં બેઠેલી હેતવી નીરવભાઈ દવે નામની 12 વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું, જયારે ઇકો કારમાં બેઠેલી બાળકીની માતા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, જે તમામને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ પડધરીની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતક હેતવીના પિતા નિરવભાઈ નવનીતભાઈ દવેએ ખાનગી લક્ઝરી બસ નંબર જી.જે-14 એ.ટી.0650 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઇ હતી અને બાળકીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા બાદ લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અને તે ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.


Google NewsGoogle News