વડોદરામાં હોડી પલટી જતા 14ના મોત: કોંગ્રેસે કહ્યું- 'સદોષ માનવવધનો ગુનો દાખલ કરો'
માંડ 10-12 લોકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 25 લોકોને બેસાડ્યા હોવાનો પણ આરોપ
Vadodara Boat Accident: વડોદરાના મોટનાથ તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 12 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન શરૂ કરાયું છે. આ મામલે વડોદરાના વિપક્ષના નેતા અમી રાવતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ પહેલા પણ સૂરસાગર તળાવમાં આવી ઘટના બની હતી. આવી ઘટનાઓમાંથી શીખ લેવાની જરૂર છે. તમામ વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો કે તેઓ લાઈફ જેકેટ વિના જ હોડીમાં બેસાડી દેવાયા હતા.’
આ ઉપરાંત હોડીમાં ક્ષમતાથી વધુ લોકોને બેસાડવા મામલે તેમણે કહ્યું હતું કે ‘આ ગંભીર દુર્ઘટના નહીં પણ ગંભીર બેદરકારી છે અને તે બદલ સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.’
82 વિદ્યાર્થી મોટનાથ તળાવ આવ્યા હતા
મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X' પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’