જામનગર અને અલિયા ગામે દારૂના બે દરોડામાં 12 બાટલી મળી આવી
જામનગર શહેર તેમજ અલિયા ગામે પોલીસે દારૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી ઈંગ્લીશ દારૂની 12 બોટલ કબ્જે કરી છે. આ દરોડામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એક શખ્સ ને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં શંકર ટેકરી દિગ્વિજય પ્લોટ, શેરી નંબર 49માં ઓધવરામ નગર પાસે આશાપુરા માતાજીના મંદિર પાસે રહેતો કિશોર મૂળજીભાઈ દામા નામનો શખ્સ પોતાના એકસેસ મોટર સાયકલ પર કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેને રોકી તલાશી લેતાં તેમના સ્કૂટરમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂ તેમજ સ્કૂટર સાથે આરોપીની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત જામનગર તાલુકાના અલિયા ગામે મેઈન બજારમાં આવેલા જાનીભાઈના મકાનની બાજુમાં રહેતો કિશન ભરતભાઈ મકવાણા નામનો શખ્સ પોતાના મકાનમાં દારૂ સંતાડી ખાનગીમાં વેચાણ કરતો હોય તેવી બાતમીના આધારે પોલીસે આરોપીના મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં એક રૂમમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવી હતી. આથી પોલીસે મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન આરોપી કિશન મકવાણા હાજર ન હોય તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.