શહેરમાં પતંગની દોરીના લીધે ઘવાયેલ 12 પંખીના મૃત્યુ, 93 પંખી ઈજાગ્રસ્ત
- ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન બે દિવસમાં
- ઈજાગ્રસ્ત પંખીઓને સેવાભાવી લોકોએ વન વિભાગના 6 કલેક્શન સેન્ટરમાં પહોંચાડયા : બે સારવાર કેન્દ્રમાં ઘાયલ પક્ષીઓને અપાઈ રહી છે સારવાર
દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં પતંગની પાકી દોરી પક્ષીઓ માટે ઘાતક બનતી હોય છે. આ પાકી દોરીના કારણે સંખ્યાબંધ પંખીઓ જીવ ગુમાવે છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. આ પક્ષીઓને સારવાર મળી રહે અને તેનો બચાવ થાય તે માટે કરૂણા અભિયાન ચાલી રહ્યું છે.
આ કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં શરૂ કરાયેલ છ કલેક્શન સેન્ટરમાં સેવાભાવી લોકો દ્વારા ગઈ કાલ તા. ૧૪ના રોજ કુલ ૬૯ ઈજાગ્રસ્ત પંખીને સારવાર માટે ખસેડાયા હતા. વન વિભાગ દ્વારા શહેરના નવાપરા અને વિક્ટોરિયા પાર્ક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરાયા હતા. જ્યાં ૬૯ ઈજાગ્રસ્ત પંખીને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ૬ પંખી બચી શક્યા નહોતા. જ્યારે ૬૩ પંખી હાલ સારવારમાં છે. જ્યારે આજે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત વધુ ૩૬ પંખીને સારવાર કેન્દ્રમાં ખસેડાયા હતા. જ્યાં ૬ પંખીએ કાયમ માટે આંખો મીચી લીધી હતી. જે ૬ પંખીના મૃત્યુ નિપજ્યા તેમાં ૫ કબૂતર અને ૧ ચામાચિડિયાનો સમાવેશ થાય છે. જ્યારે ૩૦ પંખી હાલ સારવાર તળે છે. જેમાં ૧ કોયલ, ૧૯ કબૂતર, ૨ ઘૂવડ, ૫ સ્ટોર્ક, ૧ ટીટોડી, ૨ કાજિયાનો સમાવેશ થાય છે. તેમ ભાવનગર વન વિભાગના આધારભૂત સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું.
વર્ષ દરમિયાન એનિમલ હેલ્પલાઈન દ્વારા 9102 પશુ-પક્ષીની સારવાર
શહેરના ગંગાજળિયા તળાવમાં જીવ રક્ષક દળ દ્વારા સંચાલિત હોસ્પિટલ અને એનિમલ હેલ્પલાઈન કાર્યરત છે. એનિમલ હેલ્પલાઈનના સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ગઈ કાલ તા. ૧૪ના રોજ એનિમલ હેલ્પલાઈનને શહેરના જુદાજુદા વિસ્તારમાંથી કોલ મળતા ૩૨ પંખીને હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ૨૩ કબૂતર હાલ સારવાર હેઠળ છે. જ્યારે ૧ કબૂતરે કાયમ માટે આંખો મીંચી લીધી હતી. જ્યારે અન્ય ઘવાયેલા પંખીઓમાં ૩ પેઈન્ટેડ સ્ટોર્ક, ૨ કાજિયા, ૧ ઘૂવડ, ૧ વ્હાઈટ સ્પૂનબિલ, ૧ નકટા અને ૧ બાજનો સમાવેશ થાય છે. જેને પ્રાથમિક સારવાર આપી વન વિભાગને સુપ્રત કરાયા હતા. એ જ રીતે આજે પતંગની દોરીના કારણે ૧૭ કબૂતરને ઈજા થતા સારવાર હેઠળ છે. જ્યારે ૧ કાજિયાને પ્રાથમિક સારવાર આપી વન વિભાગને સુપ્રત કરાયો હતો. ગયા વર્ષમાં એનિમલ હેલ્પલાઈન દ્વારા ૬૯૬૯ પશુ અને ૩૧૩૩ પક્ષીને સારવાર અપાઈ હોવાનં સૂત્રોએ જણાવ્યું હતું.