Get The App

ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની હડતાળનો 11મો દિવસ

Updated: Mar 27th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની હડતાળનો 11મો દિવસ 1 - image


Health Worker Protest : ગાંધીનગરમાં એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ આરોગ્યકર્મીઓ અને વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. આજે બંનેના આંદોલનને 11મો દિવસ છે. વિધાનસભા સત્રમાં કલાકારો માટે લાલ જાજમ પાથરી માન-સન્માન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોનાકાળમાં કોરોના વૉરિયર્સનું બિરુદ આપી સન્માન કર્યા બાદ સરકાર આરોગ્યકર્મીઓની હવે પડતર માંગો સ્વીકારવા માટે તૈયાર નથી. 

સરકારે કડક વલણ અપનાવતાં 2000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. આ ઉપરાંત હજારો કર્મચારીઓને શો-કૉઝ નોટીસ ફટકારવામાં આવી છે, તો કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપી આંદોલન ડામવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આરોગ્યકર્મી માંગણી માટે મક્કમ છે. આગેવાનો પાણીમાં ન બેસે તો આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. 

આંદોલન વધુ ઉગ્ર બનશે, એક હજાર સામે ખાતાકીય તપાસ

અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકેલાયા નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રહી છે. આ દરમિયાન, ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું છે. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં અંડિગો જમાવ્યો છે. 

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી

દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મિનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  

આ તરફ, આરોગ્ય કર્મચારી સંઘે પણ ચીમકી ઉચ્ચારી છે કે, બે દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં પાઠવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. હાલ આઠ જિલ્લામાંથી 2 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા છે. પાંચ હજારથી વધુ કર્મચારીઓને શૉ કોઝ નોટિસ અપાઈ છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા

શું છે આરોગ્યક્રર્મીઓની માંગણીઓ

આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી.

આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે. 


Tags :